આણંદ જિલ્લામાં પોઝિટિવ કેસની જાહેરાત પણ સ્થાનિક તંત્રને ખબર જ નથી !
- રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે
- 17 મીએ સાંજે 6 પછી એક પુરૃષ દર્દી નોંધાવાની જાહેરાત પણ જિલ્લા આરોગ્ય તંત્ર કેસમાં વધારો હોવાનું જણાવતું નથી !
આણંદ, તા. 18 એપ્રિલ, 2020, શનિવાર
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિ દ્વારા આજે સવારના સુમારે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોનાનો એક પોઝીટીવ કેસ આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર આ અંગે માથુ ખંજવાળતુ હોવાનો ઘાટ સર્જાયો હતો.
આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના આ એક દર્દી અંગે જિલ્લા આરોગ્ય વિભાગ કંઈ પણ માહિતી આપી શક્યું ન હતું અને આજે બપોરના ૨ઃ૩૦ સુધી જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ દર્દી પ્રકાશમાં ન આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે આ અંગે આણંદ જિલ્લા વહીવટી તંત્ર સાચું કે પછી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તે અંગે પ્રશ્નાર્થ રહેવા પામ્યો છે.
આણંદ જિલ્લામાં અત્યાર સુધી કોવીડ-૧૯ના ૨૫ કેસ નોંધાયા છે. તેમજ ગઈકાલ સુધી જિલ્લાના ૧૩૨૦ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈનમાં તેમજ ૩૯ વ્યક્તિઓને સરકારી ફેસીલીટીમાં કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે કોરોનાને માત આપનાર ત્રણ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હતા. જો કે ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી યાદી અને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસના દર્દીઓના જાહેર કરાતા આંકડામાં છેલ્લા કેટલાક દિવસથી આંક ફેર જોવા મળી રહ્યો છે. ઉચ્ચકક્ષાએથી આજરોજ જાહેર કરવામાં આવેલ યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૭-૪-૨૦૨૦ને સાંજના ૬.૦૦ કલાક બાદ નવા કેસ અંગેની જાણકારીમાં આણંદ જિલ્લામાં કોરોનાનો ૧ પુરૃષ દર્દી નોંધાયો હોવાનું જાહેર કરાયું છે. જ્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બપોરના ૨.૩૦ કલાક સુધી જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં ન આવ્યો હોવાનું જણાવતા ગાંધીનગર તથા આણંદમાંથી કઈ કચેરી સાચી તે અંગે તર્ક-વિતર્કો થવા પામ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોવીડ-૧૯ના પોઝીટીવ કેસો તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા અંગે આરોગ્ય વિભાગ ગુંચ અનુભવી રહ્યું છે ત્યારે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તા.૧૭મીના રોજ સવારે બે કેસ પોઝીટીવ આવ્યા બાદ તા.૧૮મીના બપોર સુધીમાં જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી. જો કે આરોગ્ય વિભાગના અગ્ર સચિવના નિવેદન બાબતે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે કદાચ ગઈકાલના કેસ જાહેર કર્યા હોય પરંતુ ઉચ્ચકક્ષાએથી હજી સુધી કોરોનાના અન્ય પોઝીટીવ કેસ બાબતે કોઈ રીપોર્ટીંગ આવ્યુ નથી. હાલ નવા રીપોર્ટની રાહ જોવાઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.