આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરાશે
- પોલીસ સ્ટેશન VIP કક્ષાનું બનશે કરમસદમાં પણ પોલીસચોકી મંજૂર
આણંદ, તા. 21 જુલાઈ 2019, રવિવાર
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૧૧ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાના નિર્ણયમાં આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સબ ઈન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવનાર છે. તેવી જ રીતે આણંદ પાસેના કરમસદ ગામે પણ નવી પોલીસ ચોકી અંગે મંજુરી મળી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે હેતુથી ગૃહરાજ્યમંત્રી દ્વારા વિવિધ જિલ્લાઓમાં જરૂરીયાત મુજબ નવા પોલીસ સ્ટેશન તથા નવી પોલીસ ચોકીઓ શરૂ કરવા અંગે કામગીરી કરવામાંં આવી છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષાના આ પોલીસ સ્ટેશનને ઈન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવનાર છે.
તેવી જ રીતે રાજ્યના કુલ સાત જિલ્લાઓમાં નવી સાત પોલીસ ચોકીને મંજુરી મળી છે. જેમાં આણંદ જિલ્લાના કરમસદ ગામે નવી પોલીસ ચોકી ઉભી કરવામાં આવનાર હોવાની જાહેરાત ગૃહમંત્રીએ કરી છે. આણંદ જિલ્લામાં ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપગ્રેડેશન અને કરમસદ ખાતે નવી પોલીસ ચોકીની મંજુરીને લઈને આગામી દિવસોમાં આ વિસ્તારમાં ક્રાઈમ રેટનો ગ્રાફ નીચો જશે તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે.