આણંદ જિલ્લાના વાસદ અને વટાદરા અને ચાંગાની યુવતીઓ ગુમ થઈ ગઈ
- ત્રણે કિસ્સામાં યુવતીઓ કોઈને જાણ કર્યા વિના જતી રહેતા પોલીસને ફરિયાદ થઈ
આણંદ, તા.23 જૂન 2020, મંગળવાર
આણંદ જિલ્લામાં ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જિલ્લાના વાસદ તેમજ વટાદરા ગામની યુવતીઓ લાપત્તા થઈ હોવાના બનાવ અનુક્રમે વાસદ તથા ખંભાત ગ્રામ્ય પોલીસ દફતરે નોંધાયા છે. સાથે સાથે પેટલાદના ચાંગા ગામની એક પરિણીતા પોતાની ૨ વર્ષીય પુત્રી સાથે ગુમ થઈ હોવાનો બનાવ મહેળાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૂળ વડોદરા જિલ્લાના બાજવા ખાતે વડનગરની રહેવાસી અને હાલ આણંદ તાલુકાના વાસદ ગામે આશાપુરી સોસાયટી ખાતે રહેતી જ્યોતિબેન બાબુભાઈ પઢિયાર (ઉં.વ.૨૨) ગત તા.૨૧-૬-૨૦૨૦ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. પરિવારજનોએ તેણીની શોધખોળ કરતા-કરાવતા તેણીનો કોઈ અત્તોપત્તો ન લાગતા આખરે તેણીના પિતાએ વાસદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુમ થવાનો વધુ એક બનાવ ખંભાત તાલુકાના વટાદરા ગામે બન્યો છે. જેમાં વટાદરા ગામના ચીખલીયા ફળીયામાં રહેતા ભાઈલાલભાઈ ધૂળાભાઈ ઠાકોરની દિકરી પ્રિયંકાબેન (ઉં.વ.૨૩) ગત તા.૨૦ જૂનના રોજ કોઈને કાંઈ કહ્યા સિવાય પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. આ બનાવ અંગે તેણીના પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુમ થવાના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના ચાંગા ગામે રહેતી ઈન્દુબેન છોટાભાઈ દેવીપૂજક (ઉં.વ.૨૦) ગત તા.૩ જૂન, ૨૦૨૦ના રોજ પોતાની બે વર્ષીય પુત્રી માહીબેનને લઈ પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. પરિવારજનોએ ઈન્દુબેન તથા બે વર્ષીય પુત્રીની સઘન શોધખોળ કરી હતી. જો કે માતા-પુત્રીની કોઈ ભાળ ન મળતા આખરે પરિણીતાના પિતાએ મહેળાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી માતા-પુત્રીની સઘન શોધખોળ આરંભી છે.