પડતર માંગણીઓ મુદ્દે સરદાર પટેલ યુનિ.ના કર્મચારીઓ અસહકાર આંદોલન છેડશે
- નોકરીને લગતા પ્રશ્નોનો છેલ્લા ઘણા સમયથી કોઈ ઉકેલ ન આવતા આખરી નિર્ણય
- યુનિ. અને સંલગ્ન કોલેજ અને વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સત્તાધિશોથી નારાજ થતા આખરે ચિમકી આપી
વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજો તથા ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નોનો છેલ્લા ઘણા સમયથી કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં અસહકારનું આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સરદાર પટેલ યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન તથા સ.પ.યુનિ. વહીવટી કર્મચારી એસોસીએશનના હોદ્દેદારોની સંયુક્ત સભા તાજેતરમાં મળી હતી. જેમાં યુનિ.ના અધ્યાપકો તથા વહીવટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને વહીવટી કર્મચારીઓની છેલ્લા એક દશકાથી નવી ભરતી કરવામાં ન આવી હોઈ અને છેલ્લા પાંચ વર્ષમાં વિદ્યાનગરની આસપાસની ૫૦ જેટલી ગ્રામીણ કોલેજોનો યુનિ.માં સમાવેશ થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોઈ વર્કલોડ પણ વધ્યો છે. ત્યારે નવી ભરતી ન થવાના કારણે વહીવટી કર્મચારીઓની મુશ્કેલી વધી છે. ઉપરાંત જે કર્મચારીઓ બઢતીને લાયક છે તે અંગે યુનિ.સત્તાધીશો દ્વારા નીરસતા દાખવી હોવાનું સભામાં જણાવાયું હતું.
નોકરીને લગતા પ્રશ્નો અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં જે-તે સમયના કુલપતિ તથા કુલસચિવ દ્વારા માત્ર ઠાલા વચનો આપી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવ્યો હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યાં છે. વર્ગ-૪ના કર્મચારીઓની પણ કરાર આધારિત ભરતી કરવામાં આવે છે અને વર્ષ ૨૦૧૧-૧૨માં નવી ભરતી કે બઢતી અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. કર્મચારીઓના કેટલાક પ્રશ્નો સિન્ડીકેટ સભામાં ચર્ચા માટે મુકવામાં આવતા નથી. તેથી કર્મચારીઓની આ સમસ્યાઓ અંગે આગામી દિવસોમાં યુનિ.સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરવામાં આવશે અને પ્રશ્નોનું યોગ્ય નિવારણ નહિ આવે તો કર્મચારીઓ દ્વારા અસહકાર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.