કાર ચાલકે મોટર સાઇકલને અડફેટે લેતાં મહિલાનું મોત, 2 ઇજાગ્રસ્ત
- ઉમરેઠ તાલુકાની હમીદપુરા ચોકડી પાસે
- બાઇક ચાલક માતાપિતાને બેસાડી આગરવા જતાહતા : પિતા- પુત્રને ઈજા થતા સારવાર હેઠળ
આણંદ, તા.2 મે 2020, શનિવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની હમીદપુરા ચોકડી નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ એક કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતાં મોટરસાયકલ ઉપર સવાર દંપત્તીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ઉપર બેઠેલ મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું.
ખેડા જિલ્લાના માંઘરોલી ગામના લક્ષ્મીપુરા ખાતે રહેતા નગીનભાઈ ખુશાલભાઈ તળપદા તેઓના માતા-પિતાને મોટરસાયકલ ઉપર બેસાડી આગરવા ગામે રહેતા પોતાના મામાના ઘરે જવા માટે સવારના સુમારે નીકળ્યા હતા. તેઓ માંઘરોલીથી પણસોરા મેઘવા મોટી નહેર થઈ ઉમરેઠના હમીદપુરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સવારના સુમારે હમીદપુરા ચોકડી નજીક ઓડ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં નગીનભાઈના માતા નંદુબેન અને પિતા ખુશાલભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે ગંભીર રીતે ઘવાયેલ નંદુબેનનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે નગીનભાઈ તથા તેઓના પિતાને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેઓને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૃધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.