ખંભાતના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા જિલ્લાનો આંક 81 ને આંબ્યો
- કિલર કોરોનાએ આણંદ જિલ્લામાં ફરી દેખા દીધી
- વૃદ્ધને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર શરૃ કરાઈ : લોકલ સંક્રમણથી ચેપ લાગ્યાની શક્યતા
આણંદ, તા.6 મે 2020, બુધવાર
૨૪ કલાકના વિરામ બાદ આણંદ જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાતા હવે આણંદ જિલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ દર્દીઓનો આંક ૮૧ ઉપર પહોંચ્યો છે. ખંભાતના એક ૮૦ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ખંભાત ખાતે વધુ એક કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દીને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
ગત તા.૭ એપ્રિલ, ૨૦૨૦ના રોજ આણંદ જિલ્લામાં સૌપ્રથમ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ ધીમે-ધીમે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. તેમાંય ખાસ કરીને જિલ્લાના નવાબી નગર ખંભાતમાં તા.૧૧ એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ કોરોના વિસ્ફોટ થતા સમગ્ર ખંભાત શહેરને કોરોના વાયરસે બાનમાં લીધુ હતુ. આણંદ જિલ્લામાં નોંધાયેલ ઉપરાછાપરી કોરોનાના પોઝીટીવ કેસને લઈને કેન્દ્ર દ્વારા આણંદ જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંય જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત ખંભાત વિસ્તારને સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે. જો કે ગત તા.૧લી મેના રોજથી આણંદ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોમાં ઘટાડો નોંધાયો હતો. સતત બે દિવસ સુધી હોટસ્પોટ એવા ખંભાત નગરમાંથી પણ એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ત્યારબાદ ગત તા.૪ મેના રોજ ખંભાતની કડીયાપોળ ખાતેથી કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો હતો. બાદમાં ગઈકાલે જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો ન હતો.
જો કે આજે સવારના સુમારે ખંભાતની દેવની પોળ ખાતે રહેતા એક ૮૦ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. ખંભાતના અલીંગ વિસ્તાર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ૮૦ વર્ષીય આ પુરૃષને લોકલ સંક્રમણના કારણે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાઈ રહ્યું છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દીને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેમજ કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓનું તબીબી પરીક્ષણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.