ચાલુ વર્ષ એકંદરે સારું રહેશે અને કોરોનાની મહામારી ધીરેધીરે દૂર થશે એવું અનુમાન
- ઉમરેઠના શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરાગત અષાઢી તોલાઇ
આણંદ, તા.6 જુલાઈ 2020, સોમવાર
છોટે કાશી તરીકે દેશભરમાં જાણીતા આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરા મુજબ આજે સવારના સુમારે અષાઢી તોલવામાં આવી હતી. આષાઢીના વર્તારા મુજબ ચાલુ વર્ષ એકંદરે સારુ રહેશે અને વરસાદ માફકસર રહેશે. સાથે સાથે કોરોના વાયરસની મહામારી પણ ધીમે-ધીમે દુર થશે તેવુ અનુમાન કરાયુ છે. અષાઢીના વર્તારા મુજબ ખેતીવાડી ક્ષેત્રે આ વર્ષ સારુ રહેશે.
ઉમરેઠ નગરમાં આવેલ પ્રાચીન ઐતિહાસિક ચંદ્રમોલીશ્વર મહાદેવનું મંદિર સંવત ૧૧૧૨માં સિધ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ બંધાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોધ્ધાર સંવત ૧૭૮૧માં ગાયકવાડના સુબાએ કરાવ્યો હતો. ૨૮૯ વર્ષ પુરાણાં આ મંદિરની પ્રથા વિશ્વમાં અલગ છે. ઐતિહાસિક અષાઢી તોલવાની પ્રથા વિશ્વમાં ફક્ત બે જ જગ્યાએ કાશી અને ઉમરેઠમાં જોવા મળે છે. પહેલાના સમયમાં ખેડૂત મુખ્યત્વે વરસાદ ઉપર આધાર રાખીને ખેતી કરતા હોઈ અષાઢીની મહત્વતા વધુ હતી. હાલ સિંચાઈની સગવડો વધી ગઈ છે, તેમ છતાં ખેડૂતો અષાઢીના વર્તારા પર આધાર રાખી ખેતી કરતાં હોય છે. છોટે કાશી તરીકે પ્રસિધ્ધ તાલુકા મથક ઉમરેઠના પ્રાચીન ચંદ્રમોલીશ્વર મહાદેવ ખાતે અષાઢ વદ એકમને સોમવારના રોજ ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી હતી. મંદિરના પુજારી ગિરીશભાઈ સી.દવે તેમજ દિલીપભાઈ સી.દવેના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ માફકસર રહેશે. કૃષિ ક્ષેત્રે મળેલા વર્તારા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષ ખેતી માટે સારુ રહેશે તેમજ મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, કપાસ અને ચણાના પાકનું ઉત્પાદન વધુ થશે. સાથે સાથે માટીનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી કોરોના વાયરસની મહામારીમાં માટીનું પ્રમાણ વધતા ધીમે-ધીમે બિમારી દુર થશે તેવુ અનુમાન કરવામાં આવ્યું છે.
10 વસ્તુઓ તોલીને ઘડામાં મૂકાય છે બીજા દિવસે વજનમાં કુદરતી રીતે ફેરફાર થાય છે
આણંદ, તા.6 જુલાઈ 2020, સોમવાર
ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ઐતિહાસિક શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અષાઢ સુદ પૂનમના દિવસે પંચોની હાજરીમાં અનાજ, કઠોળ, માટી જેવા અનેક તત્વો મળી ૧૦ વસ્તુઓ એક-એક તોલો જોખીને કોરા સફેદ કાપડમાં અલગ-અલગ રાખીને માટીના ઘડામાં મુકી આ ઘડાને પંચોની સાક્ષીમાં જ મંદિરના ગોખમાં મુકી તાળુ મારી દેવાય છે. બીજે દિવસે અષાઢ વદ-૧ના રોજ પંચ સમક્ષ સવારે મંદિરના ગોખમાંથી ઘડો લાવીને જાહેરમાં ફરીથી જોખવામાં આવે છે અને તે વજનમાં કુદરતી ફેરફારો જોવા મળે છે. વર્ષ દરમ્યાન જે વસ્તુ ઓછી-વધતી જોવા મળે તેનું વાર્ષિક તારણ કાઢવામાં આવે છે. આ અષાઢીના વર્તારા પરથી વેપારીઓ તેમજ ખેડૂતો પાકના વાવેતર તેમજ વેપાર અંગે નિર્ણય લેતા હોય છે.