કોરોના આઇસોલેશન વોર્ડને કાર્ડિયાક કેર સેન્ટર ખાતે ખસેડાતા હાલાકી
- ખંભાતની જનરલ હૉસ્પિટલમાં કાર્યરત
- કાર્ડિયાક કેર સેન્ટરમાં કોરોનાની સારવાર શરૃ કરાતા હૃદય સહિતની બીમારીવાળા દર્દીઓને પરેશાની
આણંદ, તા.8 મે 2020, શુક્રવાર
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ ૮૧ કોરોનાના પોઝીટીવ કેસોમાં સૌથી વધુ નવાબી નગર ખંભાતમાંથી ૬૪ કેસ નોંધાતા ખંભાત હોટસ્પોટ બન્યુ છે ત્યારે છેલ્લા બે દિવસથી લોકલ સંક્રમણ ઘટવાના કારણે એક્કલ-દોક્કલ કેસ નોંધાતા ખંભાતવાસીઓએ રાહત અનુભવી છે. તો બીજી તરફ ખંભાતની જનરલ હોસ્પિટલમાંથી આઈસોલેશન વોર્ડ દુર કરી ખાનગી કાર્ડીયાક કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવતા ખંભાતવાસીઓમાં તંત્રની નીતિ સામે આશ્ચર્યની સાથે છુપો રોષ વ્યાપ્યો છે.
અત્યાર સુધીમાં જિલ્લાના ખંભાત ખાતેથી ૬૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે આશરે ૨૫૦ વ્યક્તિઓના સેમ્પલ લઈ તબીબી પરીક્ષણ હાથ ધરાયું છે. અગાઉ ખંભાત ખાતેથી કોરોનાના અનેક કેસ પ્રકાશમાં આવતા ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ સ્થળે સેમ્પલ લેવાની સાથે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓને કોરોન્ટાઈન પણ કરાતા હતા. જો કે છેલ્લા બે-એક દિવસથી ખંભાતમાં કોરોનાનું જોર ઘટયું છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે ઉભો કરાયેલ આઈસોલેશન વોર્ડ દુર કરી કાર્ડિયાક કેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ખસેડવામાં આવતા ખંભાતવાસીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ એરણે ચઢી છે. અગાઉ જે સ્થળે આઈસોલેશન વોર્ડ હતો ત્યાં હાલ ઓપીડી સેવાઓ શરૃ કરાઈ છે અને ખંભાત ખાતે આવેલ હાર્ટની એક માત્ર કાર્ડિયાક કેર હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ શરૃ કરાતા હાર્ટની બિમારી, શ્વાસની તકલીફ તથા ડાયાલીસીસના દર્દીઓને અનેક તકલીફો સહન કરવાનો વારો આવ્યો છે.
જિલ્લા કલેક્ટરની તાકીદની સુચનાના આધારે કાર્ડિયાક સેન્ટરના આઈસીયુ વિભાગને કોવિડ-૧૯ માટે જાહેર કરાયું છે. જેને લઈ ખંભાત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હૃદય રોગ સંબંધી દર્દીઓને ઈમરજન્સી સારવાર નહી મળે તેનો ભય સતાવી રહ્યો છે. સરકારી જનરલ હોસ્પિટલમાંથી આઈસોલેશન વોર્ડ ખસેડી કાર્ડિયાક કેર સેન્ટર ખાતે લઈ જવાતા સ્થાનિક તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.
આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરાતા તેઓનું કામ માત્ર સર્વે કરવાનું હોઈ આ બાબત અંગે ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું.