પરિણીતાની લાશને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોટર્મ માટે મોકલાઇ
પેટલાદના રાવલી ગામે પરિણીતાનું શંકાસ્પદ મોત
પિયર પક્ષે હત્યાની આશંકા વ્યક્ત કરી, સાસરિયાઓએ બારોબાર દફનવિધી પતાવી દીધાનો આક્ષેપ
આણંદ: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રાવલી ગામે એક પરિણીતાના શંકાસ્પદ મોતને લઈ ભારે ખળભળાટી મચી હતી. પિયરપક્ષની જાણ બહાર સાસરી પક્ષે પરિણીતાની દફનવિધિ કરી દેતા પરિણીતાના પરિવારજનોએ મોત અંગે સવાલો ઉઠાવતા પોલીસે દ્વારા આજે દફન કરાયેલ પરિણીતાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના બોરસદની એક યુવતી ઝાહીદા ઉર્ફે નશીમ દીવાનના આશરે અઢી વર્ષ પૂર્વે પેટલાદ તાલુકાના રાવલી ગામે લગ્ન થયા હતા. દરમ્યાન ગત શનિવારના રોજ આ પરિણીતાનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું હતું. જેથી સાસરી પક્ષ દ્વારા આ પરિણીતાની દફનવિધિ કરી દેવામાં આવી હતી.
જે અંગે મહેળાવ પોલીસ મથકે અપમૃત્યુની નોંધ પણ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે પરિણીતાના પરિવારજનોને આ અંગેની કોઈ જાણ કરવામાં ન આવતા પિયર પક્ષે પરિણીતાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી કંઈ અજુગતું ઘટયું હોવાની શંકા સાથે પિયરપક્ષના સભ્યો દ્વારા આ અંગે મહેળાવ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી.
જેને લઈ પેટલાદના ડીવાયએસપી તથા એસડીએમ સહિતની ટીમ દ્વારા આજે સવારના સુમારે કબ્રસ્તાન ખાતે પહોંચી કબર ખોદી પરિણીતાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ આજે સવારે પોલીસ દ્વારા મોટો કાફલો રાવલી ગામે ખડકી દેવામાં આવ્યો હતો. છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકે આપઘાત કર્યો હોવાનું ખુલવા પામ્યું છે.