Gujarat

12મો ઓપન હાઉસ કાર્યક્રમ ખુલ્લો મૂકાયો : પ્રદર્શન પણ યોજાયું

By GS Team
15 Feb 20201 min read
This article was originally published on 15 Feb 2020
12મો ઓપન હાઉસ કાર્યક્રમ ખુલ્લો મૂકાયો : પ્રદર્શન પણ યોજાયું

આણંદ, તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ પુન: પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન દ્વારા ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નવી દિલ્હીના ડાયરેક્ટર તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ૧૨મો ઓપનહાઉસ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્પ્રેરી દ્વારા પુન: પ્રાપ્ય ૧૨મો ઓપનહાઉસ કાર્યક્રમ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે વિદ્યાનગર સ્થિત સ્પ્રેરી દ્વારા પ્રયાસો હાથ ધરાય છે. ઉર્જા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ સંસ્થા દ્વારા નવી પધ્ધતિઓ વિકસાવવામાં આવે છે. સાથે સાથે ભીના કચરામાંથી ગેસ ઉત્પન્ન કરી કેન્ટીનમાં વાપરવા માટેનું આયોજન પણ હાથ ધરાયું છે. બાયોગેસ થકી ઉર્જા ઉત્પન્ન થાય તે માટેની દિશામાં પણ સંસ્થા દ્વારા પગલાં હાથ ધરાયા છે. ૧૨મો ઓપનહાઉસ કાર્યક્રમ તથા પ્રદર્શન ખુલ્લુ મુકતાં આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સ્પ્રેરી ઉર્જા ઉત્પન્ન માટે સતત પ્રયત્નશીલ રહે છે અને નવી ટેકનીકો વિકસાવીને લોકો સમક્ષ રજૂ કરાય છે. 

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઉર્જા બચત અને સૌરઉર્જા અંગે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો સતત હાથ ધરવામાં આવે છે. વિદ્યાનગરમાં ભીનો અને સૂકો કચરો અલગ પાડીને આગામી દિવસોમાં ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. દૈનિક સાડા ત્રણ ટન કચરામાંથી ગેસ ઉત્પન્ન કરવાની સીસ્ટમ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. આ ઓપન હાઉસ કાર્યક્રમમાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રદર્શન નિહાળ્યું હતું.