પેટલાદ પાલિકામાં હજુ 2.96 કરોડના વેરાની વસુલાત બાકી
- આ વર્ષે કુલ 2.60 કરોડના વેરા વસુલાયા
- 250 જેટલા બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી
જ્યારે રૂા.૨.૯૬ કરોડ જેટલી રકમ વેરાની વસુલવાની બાકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે, પાછલા નાણાંકીય વર્ષના બાકી ટેક્ષ પેટે ૧૩.૧૯ ટકા અને ચાલુ નાણાંકીય વર્ષના બાકી ટેક્ષ પેટે ૭૦.૬૮ ટકા રકમની વસુલાત થઈ છે.
પેટલાદ નગરપાલિકામાં જનરલ ટેક્ષ, એજ્યુકેશન શેષ, જનરલ ક્લીનીંગ ટેક્ષ, જનરલ વોટરટેક્ષ, કંન્સ્ટ્રક્શન ટેક્ષ, જનરલ ડ્રેનેજ ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ, સ્પે.ક્લીનીંગ ટેક્ષ, જનરલ સ્ટ્રીટલાઈટ ટેક્ષ અને સ્પે. વોટર ટેક્ષ પેટે આવક પાલિકાને થાય છે.
જે પૈકી પાછલા નાણાંકીય વર્ષના રૂા.૨,૩૧,૧૬,૦૯૬ તથા ચાલુ નાણાંકીય વર્ષના રૂા.૩,૨૫,૨૨,૪૧૯ મળી કુલ રૂા.૫,૫૬,૩૮,૫૧૫ના લેણાં સામે પાલિકાની ટીમ દ્વારા પાછલા વર્ષના લેણાં પૈકી રૂા.૩,૦૫,૦૦૬૭ અને ચાલુ નાણાંકીય વર્ષના લેણાં પૈકી રૂા.૨,૨૯,૮૭,૫૧૨મળી કુલ રૂા.૨,૬૦,૩૭,૫૭૯ની વસુલાત કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
જ્યારે પાછલા નાણાંકીય વર્ષ અને ચાલુ નાણાંકીય વર્ષમાં મળી કુલ ૨,૯૬,૦૦,૯૩૬ના વેરાની વસુલાત હજી પણ બાકી હોવાનું જાણવા મળ્યું છે. જે અંતર્ગત પેટલાદ નગરપાલિકાની ટીમ દ્વારા વેરા વસુલાતની કામગીરી તેજ કરી આશરે ૨૫૦ જેટલા બાકીદારો સામે લાલ આંખ કરી જે તે મિલકત ખાતે વેરા જપ્તીની નોટિસ ચીપકાવવામાં આવી છે.
આગામી દિવસોમાં આવા બાકી વેરો ધરાવતા મિલકતધારકો સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરી વેરા વસુલાતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકા સૂત્રો દ્વારા જણાવાયું છે.