સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક મળી : 33 કામો અંગે સંમતિ સધાઈ
- સિન્ડીકેટ સભ્યના ઉપવાસ અને વિરોધ વચ્ચે
- કોરોના વચ્ચે કુલપતિએ સિન્ડીકેટ સભા યોજી નિયમોનો ભંગ કર્યો હોવાનો સિન્ડીકેટ સભ્યનો આક્ષેપ
આણંદ, તા.21 જુલાઈ 2020, મંગળવાર
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા બાકાત કરાયેલ સિન્ડીટેક સભ્યના પ્રતિક ઉપવાસ અને વિરોધ વચ્ચે આજે સ.પ.યુનિ.ના સીન્ડીકેટ હોલ ખાતે યુનિ.ના કુલપતિની અધ્યક્ષતામાં સિન્ડીકેટ સભા યોજાઈ હતી. એકતરફ સિન્ડીકેટ સભ્યએ વિરોધ વ્યક્ત કરતા કોરોના વાયરસની મહામારી વચ્ચે યુનિ.ના કુલપતિએ સિન્ડીકેટ સભા યોજી નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે યુનિ.ના કુલપતિને કોરોના સાથે સરખાવ્યા હતા. તો બીજી તરફ એજન્ડાના અને વધારાના મળી કુલ ૩૩ કામો અંગે સિન્ડીકેટ સભામાં ચર્ચા-વિચારણા બાદ સંમતિ સધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સં.પ.યુનિ.ના કુલપતિ ર્ડા.શીરીષ કુલકર્ણીની અધ્યક્ષતામાં ૧૨ સિન્ડીકેટ સભ્યોની હાજરી વચ્ચે મળેલ સિન્ડીકેટ સભામાં એજન્ડાના સાત અને અન્ય વધારાના કામકાજ મળી કુલ ૩૩ કામો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. આજની સિન્ડીકેટ સભામાં અધ્યાપકોની નિમણુંકની માન્યતા તેમજ અભ્યાસ સમિતિઓની નવરચના અને તેના ચેરમેનની નિમણુંક કરવા બાબતે ચર્ચા-વિચારણા કરાઈ હતી. સાથે સાથે વિવિધ અનુસ્નાતક વિભાગોના હેડ અને ડીનની પણ નિમણુંક કરવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. આ અંગે યુનિ.ના કુલપતિ ર્ડા.શીરીષ કુલકર્ણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની સીન્ડીકેટ સભાના તમામ ૩૩ કામો સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં થોડા સમય પૂર્વે યુનિ.ના બાયોસાયન્સ ડીપાર્ટમેન્ટમાં આગ લાગી હતી પરંતુ પ્રીમીયમ ભરવામાં ન આવ્યુ હોવાથી નુકસાનની ભરપાઈ થઈ ન હતી. જેને લઈ આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ઘટે ત્યારે યુનિ.ની મિલ્કતોને રક્ષા કવચ મળે તે હેતુથી ઓરીયન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી રૃા.૧૦૧ કરોડનો યુનિ.ની મિલ્કતનો વીમો લેવાનું નક્કી કરાયું છે. સાથે સાથે યુનિ. ખાતે સીક્યુરીટી માટે નવેસરથી ઓનલાઈન પ્રક્રિયા શરૃ કરવાની છે પરંતુ કેટલાક મુદ્દાઓને લઈ હાલ પુરતી આ પ્રક્રિયા પેન્ડીંગ રાખવામાં આવી છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે એકેડમીક કાઉન્સીલની મળેલ સભામાં કાર્યનોંધની ભલામણના અનુસંધાનમાં નિયુક્ત સમિતિએ કરેલ ભલામણો ઉપર વિચારણા કરી યુનિ. સંલગ્ન જે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં સ્વનિર્ભર અભ્યાસક્રમો ચાલે છે અને છેલ્લા ત્રણ વર્ષથી આવી સ્વનિર્ભર કોલેજોમાં એકપણ ટીચર ન હોય તેવી કોલેજોને નો એડમીશન ઝોનમાં મુકવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે કોલેજોનું લીસ્ટ તૈયાર કરી દેવાયું છે અને આગામી સમયમાં તે અંગેની કામગીરી હાથ ધરાશે તેમ તેઓએ ઉમેર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાનગર સ્થિત ચારૃતર વિદ્યામંડળને પ્રાઈવેટ યુનિવર્સિટી જાહેર કરાઈ છે. જેને લઈ ચારૃતર વિદ્યામંડળ સંચાલિત ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો/ઈન્સ્ટીટયુટ તથા તેમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોના એફીલીએશન બાબતે રાજ્યના શિક્ષણમંત્રી સાથે મીટીંગ યોજાયા બાદ આવા સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોનું સ.પ.યુનિ. સાથે કાયમી જોડાણ રદ કરી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી હંગામી જોડાણ રહેશે અને એફીલીએશન ફી પેટે યુનિ.ને દર વર્ષે રૃા.૨૫ હજાર ચુકવવાના રહેશે તેમ યુનિ. સત્તાધીશોએ જણાવ્યું હતું.