ખંભાતના પાધરીયા માર્ગ પર જાહેરમાં ઠલવાતા મેડિકલ વેસ્ટથી આરોગ્ય જોખમમાં
- તંત્રના પાપે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોનો ઉલાળીયો
- એકસપાયરી ડેટની દવાનો જથ્થો, સિરીન્જોનો જાહેરમાં સરેઆમ નિકાલ છતાં જવાબદાર તંત્રના આંખ આડા કાન
આણંદ, તા.04 માર્ચ 2020, બુધવાર
આણંદ જિલ્લાના તાલુકા મથક ખંભાત શહેરના પાધરીયા માર્ગ ઉપર છેલ્લા ઘણાં સમયથી જાહેરમાં મેડીકલ વેસ્ટનો જથ્થાબંધ નિકાલ કરવામાં આવતા સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ભયંકર જોખમ ઉભુ થવા પામ્યું છે.
ખંભાતમાં આરોગ્ય વિભાગ તથા પાલિકાની ઢીલી નીતિ અને તંત્રના મેળાપીપણાંને લઈને ફાર્મા કંપનીઓ, આરોગ્ય કેન્દ્રોના સંચાલકોએ તમામ હદ વટાવી જાહેરમાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક બની રહ્યું હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે.
વધુમાં મળતી વિગતો મુજબ નવાબી નગર ખંભાતના રેલ્વે ફાટક બાદ ઓએનજીસી, પ્રાથમિક શાળા નજીક પાધરીયા માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. અત્રેની શાળામાં બાળકો, વાલીઓની અવર-જવર વધુ રહે છે. ઉપરાંત નજીકમાં કેટલાક લોકો પણ વસવાટ કરે છે. આ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફિસ, ખાનગી દવાખાના તેમજ ફાર્મા કંપનીઓ પણ આવેલ છે.
જો કે આ વિસ્તારમાં આવેલ ફાર્મા કંપનીઓ સહિતના ખાનગી દવાખાનાના સંચાલકો દ્વારા એક્સપાઈરી ડેટ થઈ ગયેલ દવાઓ, ઈન્જેક્શનો, કસનળીઓ, ઓપરેશન દરમ્યાન હાથમાં પહેરવાના મોજા, નેપકીન, ડીલીવરી દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ સાધનો સહિતના મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં ઠેર-ઠેર મેડીકલ વેસ્ટના ડ્રગ જોવા મળી રહ્યા છે. મેડિકલ માફીયાઓને તંત્રની બીક ન હોય તેમ આવા ખતરારૂપ મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા જાહેર આરોગ્ય જોખમાયું છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં સ્થાનિક તંત્રની ઉદાસીનતા અને મીલીભગતને લઈને મેડીકલ માફીયાઓ તંત્રના નિયમોને ઘોળીને પી ગયા હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવો અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે બીજી તરફ જાહેરમાં ઠાલવવામાં આવતા મેડીકલ વેસ્ટને લઈને જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભુ થવા પામ્યું છે. આ મેડિકલ માફીયાઓ કોની રહેમનજરથી જાહેરમાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરે છે ? તે પ્રશ્ન ટોગ ઓફ ધી ટંગ બનવા પામ્યો છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે સત્વરે આળસ ખંખેરવામાં આવે અને મેડિકલ માફીયાઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.