બોરસદ અને નાપા તળપદ ગામના કેટલાક વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં મુકાયા
- આ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરાવવું
આણંદ,તા.13 ઓગષ્ટ 2020, ગુરુવાર
આણંદ જિલ્લાના તાલુકા મથક બોરસદ તથા નાપા તળપદ ગામમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે તે વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે.
જે અંતર્ગત બોરસદ તાલુકાના નાપા તળપદ ડભોઉ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ફાગણીયા વાડ, નવી મસ્જિદ પાસેના ૮ મકાન, બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિર વિસ્તાર સામેના વર્ધમાન મેડિકલની પાછળના ૧૨ મકાનના વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તાલુકા મથક બોરસદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યા બાદ શહેરના વેપારીઓએ બપોરના ૨ઃ૦૦ કલાક બાદ સ્વૈચ્છિક લોકડાઉનને અનુસરતા કેટલાક દિવસો દરમ્યાન કોરોનાના કેસ ઉપર બ્રેક વાગી હતી. પરંતુ હવે ફરીથી બોરસદ પંથકમાં કોરોના વાયરસે માથુ ઉચકતા નગરજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
બોરસદ શહેર તથા નાપા તળપદના જાહેર કરાયેલ કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં એન્ટ્રી તથા એક્ઝીટ પોઈન્ટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ઃ૦૦ કલાકથી સાંજના ૭ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.