Get The App

સોજિત્રાનો વાહનચોર ઝડપાયો, 10 રિક્ષા અને એક બાઇક જપ્ત કરાઇ

Updated: Jul 30th, 2024

GS TEAM


Google News
Google News
સોજિત્રાનો વાહનચોર ઝડપાયો, 10 રિક્ષા અને એક બાઇક જપ્ત કરાઇ 1 - image


- જુદાજુદા જિલ્લાઓમાંથી વાહનો ચોરી કર્યાની કબૂલાત

- હોસ્પિટલ અને કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી વાહનો ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો

આણંદ : રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચોરી કરતા રીઢા વાહનચોરને બોરસદ શહેર પોલીસે રૂા.૧૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આણંદ જિલ્લામાં રિક્ષા ચોરીના બનાવો વધી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે બોરસદ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાતા બોરસદ-વાસદ નેશનલ હાઈવે નં.૮ ઉપર થઈ વડોદરા, ભરૂચથી લઈ અમરોલી, સુરત સુધી રિક્ષા ટ્રેસ કરવામાં આવી હતી. 

જેમાં આ રિક્ષા નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે વધુ તપાસ હાથ ધરી પોલીસે સોજિત્રા ખાતે રહેતા અને રિક્ષાચાલક સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલાની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. 

જેમાં તેણે અન્ય કેટલીક રિક્ષાઓ તથા એક મોટરસાયકલની પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ૧૦ રિક્ષા તથા એક મોટરસાયકલ મળી કુલ રૂ.૧૩.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ કરતા બોરસદ શહેર,  સોજિત્રા, આણંદ શહેર, નડિયાદ શહેર, ગાંધીનગર સેક્ટર-૭, ધોળકા શહેર, ખંભાત શહેર અને ગાંધીનગર ઈન્ફોસીટી પોલીસ મથકમાં નોંધાયેલા નવ જેટલા ગુના ડીટેક્ટ થયા હતા.

રીઢો વાહનચોર સંદિપસિંહ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ તથા કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી રિક્ષા તથા મોટરસાયકલની ચોરી કરવાની મોડસ એપરેન્ડી ધરાવે છે. અગાઉ તે ગાંધીનગર, નડિયાદ ટાઉન, અસલાલી, પાટણ, હિંમતનગર, મહેસાણા, બહુચરાજી, વિજાપુરા, વિદ્યાનગર અને વિસનગર પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનામાં પકડાયેલો હોવાનું ખુલવા પામ્યું છે.

Tags :