Updated: May 20th, 2023
- પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવ યોજાયો
- હનુમાનજી મંદિરમાં ભકતોની સવારથી ભીડ ઉમટી મહાયજ્ઞા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે શ્રધ્ધાભેર શનેશ્વર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શનેશ્વર જયંતિ નિમિત્તે આણંદ શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ શનિ મંદિર તેમજ હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આણંદ નગરમાં આવેલ સુપ્રસિધ્ધ શનેશ્વર મંદિર ખાતે સવારે ૪.૩૦ કલાકે બ્રહ્મ મુહુર્ત આરતી, સવારે ૫.૦૦ કલાકે પ્રાતઃતૈલાભિષેક, સવારે ૯.૦૦ કલાકે મહાયજ્ઞાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજે ૫.૩૦ કલાકે પૂર્ણાહુતિ થઈ હતી. યજ્ઞા પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ૬.૦૦ કલાકે અન્નકુટ દર્શન યોજાયા હતા. જેમાં આણંદ નગર સહિત આજુબાજુના ગામડાના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. રાત્રે ૧૨.૦૦ કલાકે મહાઆરતી યોજાઈ હતી. હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી મોડી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. રોકડીયા હનુમાનજી, લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
કેટલાક ભક્તોએ ઉપવાસ કરીને પૂજા-અર્ચના કરી હતી. આ દિવસે દાનનો વિશેષ મહિમા હોવાથી લોકોએ ગરીબોને દાન કર્યુ હતું. વૈશાખી અમાસ નિમિત્તે જિલ્લાના વાસદ તથા વહેરાખાડી સ્થિત મહીસાગર તીર્થ સ્થાનોએ માનવ મહેરામણ ઉમટયું હતું. કેટલાક ભક્તોએ નદીમાં સ્નાન કરીને પૂજા-અર્ચના કરી હતી.
શનેશ્વર જયંતિ નિમિત્તે શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારના ૮-૦૦ કલાકે શ્રી આનંદ ગરબા મહાધૂન (સતત ૧૨ કલાક મહાધૂન)નું આયોજન કરાયું હતું.પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતાં. સાંજના સુમારે શહેરના આઝાદ મેદાન ખાતેથી વરયાત્રાનો પ્રારંભ થયો હતો જે સાંઈબાબા મંદિર ખાતે સમાપન થયા બાદ સાંજના ૮-૩૦ કલાકે હસ્તમેળાપ યોજાયો હતો.