Get The App

સરદાર પટેલ યુનિ. દ્વારા પરીક્ષા મોકુફ રાખવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠનનું વિરોધ પ્રદર્શન

- કોરોનામાં પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓના જીવ સામે જોખમ

- પરીક્ષા રદ કરવા અથવા ઓનલાઈન લેવાની માંગ : વિરોધ કરનારા કાર્યકરોની જાહેરનામાના ભંગ બદલ અટક કરાઈ

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
સરદાર પટેલ યુનિ. દ્વારા પરીક્ષા મોકુફ રાખવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠનનું વિરોધ પ્રદર્શન 1 - image


આણંદ, તા.10 જૂન 2020, બુધવાર

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ યોજવાનો નિર્ણય લેવાતા વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. દ્વારા આગામી દિવસોમાં યુનિ.ની પરીક્ષાઓ યોજવા તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

જો કે પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓના માથે કોરોના વાયરસનું જોખમ હોઈ વિવિધ વિદ્યાર્થી યુનિયનો દ્વારા યુનિ.ની આ પરીક્ષાઓ અંગે ફેરવિચારણા કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આજે સ.પ.યુનિ. ખાતે એબીવીપી તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો. જો કે જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ હોઈ વિદ્યાનગર પોલીસ દ્વારા વિરોધ કરતા કાર્યકરોની તુરત જ અટકાયત કરવામાં આવી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના પ્રથમ અને દ્વિતિય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે. જ્યારે સ્નાતક તથા અનુસ્નાતક કક્ષામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં છઠ્ઠા તથા ચોથા સેમીસ્ટરની પરીક્ષાઓ આગામી તા.૨ જુલાઈ, ૨૦૨૦થી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પરીક્ષાઓ તા.૨૫ જૂન, ૨૦૨૦થી યોજવાનો નિર્ણય લેવાયો છે. જો કે વિદ્યાનગરની સ.પ.યુનિ.માં બહારગામથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. હાલ કોરોના વાયરસનો પ્રકોપ ઘટવાનો નામ નથી લેતો ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે યુનિ.ની પરીક્ષાઓ યોજવી વિદ્યાર્થીઓ માટે જોખમરૃપ હોઈ છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થી યુનિયનો દ્વારા યુનિ.ની આ પરીક્ષાઓ હાલ પુરતી મુલ્તવી રાખી અથવા તો ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે ચળવળ ચલાવવામાં આવી રહી છે.

વિદ્યાર્થી યુનિયનો દ્વારા શિક્ષણમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે લેખિત રજૂઆત કરાઈ છે. જો કે ઉચ્ચકક્ષાએથી પણ આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય ન લેવાતા છેલ્લા બે દિવસથી એબીવીપી તથા એનએસયુઆઈ દ્વારા સ.પ.યુનિ. ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજે સવારના સુમારે એબીવીપીના કાર્યકરો દ્વારા યુનિ. ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો કે વિદ્યાનગર પોલીસે યુનિ. ખાતે પહોંચી પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી વિદ્યાનગર પોલીસ મથકે લઈ જવાયા હતા. બાદમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા પણ યુનિ. ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ હોઈ એનએસયુઆઈના કાર્યકરોને પણ પોલીસે અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :