સરદાર પટેલ યુનિ. દ્વારા તા. 29 જૂનથી શરૂ થતી અનુસ્નાતકની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં અવઢવ
- પરીક્ષા ન લેવા મુદ્દે યુજીસીને નવી ગાઇડલાઇન તૈયાર કરવા સરકારની તાકીદ
- પરીક્ષા આડા ગણતરીના દિવસો બાકી છે ત્યારે પેપર સ્ટાઇલનો મુદ્દો ઘોંચમાં પડતા વિદ્યાર્થીઓમાં ચિંતા
આણંદ,તા. 25 જૂન 2020, ગુરુવાર
કેન્દ્ર સરકારના આદેશને પગલે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ન લેવા મુદ્દે નવી ગાઈડલાઈન તૈયાર કરવાના તખ્તા ગોઠવાયા છે ત્યારે વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૯ જૂનથી અનુસ્નાતક કક્ષાના કેટલાક અભ્યાસક્રમોની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થી આલમ મુંઝવણ અનુભવી રહ્યું છે. બીજી તરફ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થવાને માંડ ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજી સુધી આ પરીક્ષાઓના પેપર સ્ટાઈલનો મુદ્દો ગોંચમાં પડયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨ જુલાઈ, ૨૦૨૦થી યોજાનાર સ્નાતક કક્ષાની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જો કે તા.૨૯ જૂનથી શરૂ થતી અનુસ્નાતક કક્ષાના એમ.એ. ઈતિહાસ, સંસ્કૃત, પોલીટીકલ સાયન્સ, એમ.ફીલ. સહિતના અભ્યાસક્રમોની પરીક્ષાઓનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા યુનિ.ની અંતિમ વર્ષની પરીક્ષાઓ ન લેવા મુદ્દે યુજીસીને નવી ગાઈડલાઈન તૈયાર કરવાનું જણાવવામાં આવતા સ.પ.યુનિ. ખાતે પરીક્ષાઓ યોજાશે કે કેમ ? તે અંગે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. બીજી તરફ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓમાં પેપર સ્ટાઈલનો મુદ્દો પણ ગુંચવણમાં પડયો છે.
ગત તા.૫-૬-૨૦૨૦ના રોજ યુનિ.ની પરીક્ષાઓ અંગે પેપર સ્ટાઈલ નક્કી કરવામાં આવી હતી. બાદમાં અધ્યાપક મંડળો દ્વારા પરીક્ષા અંગે વિરોધ થતા ગત તા.૨૪-૬-૨૦૨૦ના રોજ તેમાં ફરીથી બદલાવ કરાયો હતો. બાદમાં આજરોજ યુનિ. દ્વારા પેપર સ્ટાઈલ બદલવા અંગે નિર્ણય લીધો હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી છે. ઉલ્લેખનીય છે કે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હજી સુધી પેપર સ્ટાઈલ અંગે ફાઈનલ નિર્ણય ન આવતા અધ્યાપકો પણ મુંઝવણમાં મુકાયા છે.