સ.પ. યુનિના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની તમામ વિષયોની પરીક્ષા 2 જુલાઈએ યોજાશે
-શિક્ષણવિભાગ દ્વારા કોલેજમાં પરીક્ષા યોજવાની જાહેરાત બાદ
-અનુસ્નાતક કક્ષાના અને એક્ષટર્નલ અભ્યાસક્રમોમાં તમામ સેમિસ્ટરની પરીક્ષા તા. રપમી જુનથી શરૃ થશે
આણંદ,તા.5 જુન 2020, શુક્રવાર
કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાતા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેવા પામી હતી. જો કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં પરીક્ષા યોજવાની જાહેરાત કરાતા વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં સેમીસ્ટર ૬ અને સેમીસ્ટર ૪ (એન.સી.) તથા બીજા સેમીસ્ટરની (એન.સી.)ની તમામ વિષયોની પરીક્ષાઓ આગામી તા.૨ જુલાઈથી વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. સાથે સાથે અનુસ્નાતક કક્ષાના તથા એક્ષટર્નલ અભ્યાસક્રમોમાં તમામ સેમીસ્ટરની પરીક્ષાઓ આગામી તા.૨૫ જૂન, ૨૦૨૦થી યોજાનાર છે.
સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં સેમીસ્ટર ૬, સેમીસ્ટર ૪ એન.સી. (ફક્ત ૨૦૧૧ થી ૨૦૧૭ બેચ) તથા બીજા સેમીસ્ટરની એન.સી.ની તમામ વિષયોની પરીક્ષાઓ તા.૨-૭-૨૦૨૦થી વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર શરૃ કરાશે. અનુસ્નાતક કક્ષાના એમ.એ., એમ.કોમ., બી.એ. એક્ષટર્નલ, બી.કોમ. એક્ષટર્નલ તેમજ બી.એડ., બી.લીબ., એલ.એલ.બી. તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં તમામ સેમીસ્ટર/વર્ષ પ્રથમ, દ્વિતિય, તૃતીય તથા ચતુર્થ સેમીસ્ટરના તમામ વિષયોની પરીક્ષાઓ આગામી તા.૨૫-૬-૨૦૨૦થી શરૃ થશે.
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે અને ઈન્ટરમીડીએટ સેમીસ્ટર છે તેવા વિદ્યાર્થીઓને સુચિત મેરીટ બેઈઝડ પ્રોગ્રેસન યોજના હેઠળ માર્કસની ગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે. સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ ઓછા સમયગાળામાં તમામ પરીક્ષાઓનું આયોજન કરવા હેતુ પરીક્ષા કેન્દ્રો ઉપર ત્રણ શિફ્ટમાં પરીક્ષાઓનું આયોજન કરાશે.
સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ યુનિ. પરીક્ષાના ૭૦ માર્કસના પેપરના માળખામાં જરૃરી ફેરફાર કરી ત્રણ કલાકની જગ્યાએ બે કલાકમાં વિદ્યાર્થી પરીક્ષા પૂર્ણ કરી શકે તે મુજબ પેપર સેટરે યુનિ. દ્વારા જણાવેલ માળખા મુજબ પ્રશ્નપત્ર કાઢવાનું રહેશે.