આણંદના પાધરિયા વિસ્તારમાં આડશો દૂર કરવા આદેશ છતાં હટાવાતી નથી
- પોઝિટીવ કેસ નોંધાયાના મહિનો થવા આવ્યો છતાં
- જિલ્લા કલેક્ટરે પરિપત્ર જારી કરી આડશો દૂર કરવા જણાવ્યું છતાં પોલીસતંત્ર ન માનતા સ્થાનિકોમાં રોષ

આણંદ, તા. 3 મે 2020, રવિવાર
આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં ગત તા.૭મી એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા તંત્રએ પાધરીયા સહિતના આસપાસના વિસ્તારને સીલ કરી દીધો હતો. જો કે ત્યારબાદ આ વિસ્તારમાંથી એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ ન નોંધાતા થોડા સમય પૂર્વે કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરી આ વિસ્તારમાંથી આડશો દુર કરવા પોલીસને આદેશ આપવા છતાં પોલીસ દ્વારા આડશો હટાવવામાં આળસ દાખવવામાં આવતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠયો છે.
ગત તા.૭મી એપ્રિલના રોજ આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલ એન્ટરપ્રાઈઝ સોસાયટી ખાતે કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૃપે પાધરીયા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોને ક્લસ્ટર કોરોન્ટાઈન કરી નાગરિકોને અવર-જવર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં લોકોની અવર-જવર બંધ કરી દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જો કે તંત્ર દ્વારા દાખવવામાં આવેલ તકેદારીના પગલે આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકી જવા પામ્યું હતુ અને પોઝીટીવ દર્દીને પણ સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ આ વિસ્તારમાંથી એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. જો કે આ વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન થતા આ વિસ્તારમાં જાહેર કરાયેલ પ્રતિબંધો ઉઠાવી લઈ વિસ્તારને કન્ટેઈનમેન્ટમાંથી મુક્તિ આપવાના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરાયા છે. જો કે આદેશને આજે પાંચ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે ઉદાસીન વલણ દાખવવામાં આવતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. જો કે પ્રતિબંધિત વિસ્તારની આડશો દુર કરવા કલેક્ટર દ્વારા પોલીસ વિભાગને પરીપત્ર આપી જાણ કરવા છતાં આ અંગ પોલીસ વિભાગ દ્વારા આડશો દુર ન કરાતા રમજાન માસ ચાલતો હોઈ નાગરિકોને ખરીદી અર્થે આવવા-જવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. નાગરિકોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા આ પરીપત્રનો તાત્કાલિક અમલ કરી આડશો દુર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

