વણાંકબોરી ડેમમાંથી મહિ કેનાલની મુખ્ય કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોને રાહત
- ડેમમાંથી નડિયાદ શાખાની કેનાલોમાં 2450 ક્યુસેક પાણી છોડાયું
- વરસાદે વિરામ લેતા ડાંગરનું ધરૂવાડીયું તૈયાર કરીને બેઠેલા ખેડૂતો મુઝવણમાં મૂકાયા હતા
વરસાદી વિરામ વચ્ચે ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી ચરોતરની મહી કેનાલની મુખ્ય શાખાઓમાં પાણી છોડવામાં આવતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. અંદાજે ૨૪૫૦ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાંથી નડિયાદ શાખાની નહેરોમાં છોડવામાં આવતા ધરતીપુત્રો ચોમાસુ પાકની તૈયારીમાં જોતરાયા છે.
ચાલુ વર્ષે સમયસર મેઘરાજાનું આગમન થયું હતું. જો કે કોરોના વાયરસની મહામારીને લઈ લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ રહેતા મજૂરો પોતાના વતન તરફ ચાલ્યા ગયા હતા. જેને લઈ ઉનાળુ પાકની કાપણી મોડી થઈ હતી. સમગ્ર આણંદ જિલ્લામાં ૧૫ જૂનની આસપાસમાં વરસાદ સાથે વાવાઝોડુ ફુંકાતા ખેતીપાકને નુકસાન પહોંચ્યું હતુ. જો કે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ ફરમાવતા ધરતીપુત્રો દ્વારા પાકની કાપણી પૂર્ણ કરી દેવાઈ છે અને ડાંગરના ધરૂવાડીયા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે વરસાદી વિરામ અને જિલ્લાની મુખ્ય નહેરોમાં પાણીના અભાવ વચ્ચે ડાંગરના ધરૂવાડીયા તૈયાર કરવામાં ખેડૂતો મુંઝવણ અનુભવી રહ્યા હતા.
દરમ્યાન ગતરોજથી વણાકબોરી ડેમમાંથી નડિયાદ શાખાની કેનાલોમાં ૨૪૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા છેલ્લા ઘણાં સમયથી સુક્કીભઠ પડેલ નહેરોમાં પાણીની આવક થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી છે. સિંચાઈ માટે નહેરોમાં પાણીની સુવિધા મળતા ધરતીપુત્રો હાલ ડાંગરના ધરૂવાડિયા તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. આ અંગે એક જાગૃત ખેડૂતો જણાવ્યું હતુ કે, સમયસર ચોમાસાના આગમન અને વાવાઝોડાના કારણે ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું હતુ અને ઉનાળુ પાકની સિઝન લાંબી ચાલી હતી. હાલ ડાંગરના ધરૂવાડિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જો મોડી રોપણી થશે તો ડાંગરના પાક પર માઠી અસર થવાની સંભાવના છે. હાલ તો જરૂરીયાતના સમયે જ કેનાલોમાં પાણી આવતા ખેડૂતોએ રાહત અનુભવી છે.