Gujarat

સબરજિસ્ટ્રાર કચેરી, તારાપુરમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરાતા રાહત

By GS Team
25 Apr 20202 mins read
This article was originally published on 25 Apr 2020
સબરજિસ્ટ્રાર કચેરી, તારાપુરમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરાતા રાહત

આણંદ, તા.25 એપ્રિલ 2020, શનિવાર

આણંદ જિલ્લાની સબરજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં આજથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૃ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા તા.૨૩/૪/૨૦૨૦ના રોજ રાજ્યની નગરપાલિકા તથા મહાનગરપાલિકા સિવાયની એટલે કે ગ્રામ્ય વિસ્તારની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા શરૂ કરવાની મંજુરી આપવામાં આવેલ છે.

જે અન્વયે રાજ્ય સરકારે નીચેની શરતોને આધીન સબરજીસ્ટ્રાર કચેરીમાં નોંધણીની પ્રક્રિયા શરૃ કરવા જણાવેલ છે. જેમાં આણંદ જિલ્લાની સબરજીસ્ટ્રાર કચેરી તારાપુરની કચેરીમાં નોંધણીની પ્રક્રિયા તા.૨૪-૪-૨૦૨૦થી શરૃ કરવામાં આવેલ છે. તારાપુર ખાતે શરૃ થયેલ સબરજીસ્ટ્રાર કચેરીમાં શરતો તથા તમામ સુચનાઓ અને જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. સબરજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર/વકીલ/બોન્ડરાઈટ/સ્ટેમ્પ વેન્ડર કોરોના વાયરસના સંક્રમમને નાથવા માટે જણાવેલ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. તદ્અનુસાર અરજદાર/વકીલ/બોન્ડરાઈટ/સ્ટેમ્પ વેન્ડરોએ ગરવી વેબસાઈટમાં ઈ-પેમેન્ટ અને દસ્તાવેજ ઓનલાઈન એપોઈનમેન્ટ મેળવવાની રહેશે. ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થઈ શકશે. 

પક્ષકારોએ નોંધણી માટે ઓનલાઈન એપોઈનમેન્ટ ફરજીયાત લેવાની રહેશે.

ઈન્ડેક્ષ નકલ-દસ્તાવેજની ખરી નકલ તથા શોધ રીપોર્ટ માટેની સુવિધા સરકાર તરફથી બીજી સુચના ન આપવામાં આવે ત્યાં સુધી બંધ રહેશે. દસ્તાવેજ નોંધણી માટે અંગુઠાનું નિશાન બાયોમેટ્રીક પધ્ધતિ તેમજ વિડિયો રેકોર્ડીંગ સહિતની હાલની પ્રથા ચાલુ રહેશે. દરેક પક્ષકારે ફરજીયાત માસ્ક પહેરીને કચેરીમાં આવવાનું રહેશે. માસ્ક સિવાયના અરજદારોને કચેરીમાં પ્રવેશ મળશે નહી. દરેક પક્ષકારે કચેરી બહાર સેનીટાઈઝેશનથી હાથ સાફ કરી કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. દસ્તાવેજની નોંધણી માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.

 હાલ પુરતુ ફક્ત દસ્તાવેજની નોંધણીની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવેલ છે. બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવાનું રહેશે. ઉપરોક્ત શરતો તથા તમામ સુચનાઓ અને જોગવાઈઓનું પાલન સબરજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર/વકીલ/બોન્ડરાઈટ/સ્ટેમ્પવેન્ડર પાલન કરવાનું રહેશે એમ નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી) નોંધણી નિરીક્ષક આણંદની યાદીમાં જણાવાયુ છે.