Get The App

આણંદ શહેરની ટૂંકી ગલીમાં પૂનઃ ગેરકાયદે દબાણો કરવાની પેરવી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
આણંદ શહેરની ટૂંકી ગલીમાં પૂનઃ ગેરકાયદે દબાણો કરવાની પેરવી 1 - image


- કેટલાક તકસાધુઓ મેદાને પડયા

- ટ્રાફિક અને જાહેર રસ્તાની સુવિધાને ધ્યાને લઇને દબાણ ન થાય તેવી માંગણી

આણંદ : આણંદ શહેરની બહુચર્ચિત ટૂંકગલીમાંથી ગેરકાયદેસર દબાણો દુર કર્યા બાદ હવે આ ટૂંકી ગલીને વ્યવસાયિક રીતે પુનર્જીવીત કરવા માટે કેટલાક બની બેઠેલા અને તક સાધુ નેતાઓએ પેટીયું રળતા વેપારીઓના ખભે બંદુક મુકી પોતાનો રોટલો શેકવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે બીજી તરફ કોઈપણ સંજોગોમાં ટૂંકી ગલીમાં પુનઃ દબાણોનો રાફડો ન ફાટે તે માટે તંત્ર પોતાના નિર્ણય ઉપર મક્કમ હોવાનું પણ જાણવા મળ્યું છે.

છેલ્લા ઘણાં વર્ષોથી આણંદની ટૂંકી ગલી તથા જુના બસ મથકનો વિસ્તાર ગેરકાયદેસર દબાણોના કારણે બહુચર્ચિત બન્યો હતો. વહીવટી તંત્રના સુચનના પગલે આણંદ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

જે અંતર્ગત ગત સપ્તાહે શહેરની ટુંકી ગલી તથા જુના બસ મથકની આસપાસના વિસ્તારમાં લારી-પાથરણાંરૂપી ખડકાયેલ ગેરકાયદેસર દબાણોને હટાવી ટૂંકી ગલી ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત કરી ટૂંકી ગલીના માર્ગને જાહેર માર્ગ તરીકે ઉપયોગમાં લેવાનું જણાવતા સેંકડો પરિવારોની રોજી-રોટી છીનવાતા વેન્ડર્સ આર્થિક ઉત્થાન યોજના હેઠળ લોન સહાય મેળવનાર કેટલાક નાના વેપારીઓની હાલત કફોડી બની હતી અને લોનના હપ્તા ભરવા તથા પરિવારનું પેટીયું રળવાનું મુશ્કેલ બનતા ટૂંકી ગલીમાં વ્યવસાય માટે તેઓ દ્વારા કેટલાક બની બેઠેલા નેતાઓને રજૂઆત કરાઈ હતી. 

જેને લઈ આવા બની બેઠેલા તક સાધુ નેતાઓએ સામાન્ય વેપારીઓના ખર્ચા-પાણીના ખેલ રચી ટૂંકી ગલીમાં પુનઃ વ્યવસાય જીવીત કરવા પ્રયાસ હાથ ધરી મોરચો માંડી પોતાનો રોટલો શેકવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે બીજી તરફ તંત્ર દ્વારા કોઈપણ હિસાબે ટૂંકી ગલીમાં પુનઃ દબાણો ન થાય તે માટે મક્કમતા વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારની એજન્સી દ્વારા પાંચ વર્ષ પૂર્વે આણંદ શહેરના વિવિધ  વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઉભા કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જો કે વેન્ડર્સ ઝોન અંગેનો ઠરાવ ટલ્લે ચઢતાં હાલ વેન્ડર્સ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આણંદ શહેરના જુના બસ મથક પાછળ, વૃંદાવન મેદાન સહિત પાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટ ઉપર વેન્ડર્સ ઝોન ઉભા કરવાનું આયોજન કરી પાલિકા માટે આવકનો સ્ત્રોત ઉભો કરવાની ગોઠવણ કરાઈ હતી. જો કે કોઈ કારણોસર આ આયોજન અભેરાઈએ ચઢ્યું છે ત્યારે વેન્ડર્સ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News