ભાદરણના હત્યા કેસનો ભેદ ઉકેલવા પોલીસને કડી મળતી નથી
- બંગલાનું રખોપુ કરનાર આધેડને પતાવી દીધો હતો
- પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ડેમ્પ ડેટાની તપાસ હાથ ધરાઈ : 5 દિવસ બાદ તપાસ ઠેરના ઠેર
બોરસદ તાલુકાના ભાદરણ ગામે ગોવિંદભુવન ખાતેના ઠાકોરભાઈ પટેલના બંગલાનું રખોપુ કરતા રમતુભાઈ ભોઈની ગત રવિવાર રાત્રિના સુમારે અજાણ્યા શખ્શોએ હત્યા કરી નાખી હતી. સવારના સુમારે રમતુભાઈ ભોઈ ઘરે પરત ન આવતા પરિવારજનો એનઆરઆઈના બંગલા ખાતે પહોંચ્યા હતા જ્યાં એક ખાટલામાંથી રમતુભાઈ ભોઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે ભાદરણ પોલીસે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. એલસીબી, એસઓજી સહિતની પોલીસની ચાર ટીમો દ્વારા હત્યાના આ બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસમાં આવેલ સીસીટીવી કેમેરા તથા ડમ્પ ડેટાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલાક શકમંદોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે હત્યાના આ બનાવમાં પોલીસને હજી સુધી કોઈ નક્કર કડી હાથ લાગી નથી. બીજી તરફ બંગલાના મૂળ માલિક ભાદરણ ખાતે આવનાર હોવાની પણ માહિતી મળી છે. તેઓની સાથે વાતચીત કર્યા બાદ બંગલાની ઓફિસમાંથી શું ચોરી થયું તે અંગેની જાણકારી મેળવ્યા બાદ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.