ડાકોરમાં ફાગણી પુનમે ફુલડોળ ઉત્સવ ભક્તિભાવભેર ઉજવાયો
- યાત્રાધામ ડાકોર ખાતે ધૂળેટીની ઉજવણી કરાઈ
- ઠાકોરજીએ ફુલડોળમાં બિરાજી સોના-ચાંદીની પિચકારીથી કેસૂડાના રંગો ભક્તો પર છાંટયા
શણગાર આરતી બાદ ઠાકોરજી બાલ ગોપાલ લાલજી પ્રતિકાત્મક સ્વરૂપે બિરાજમાન થયા હતા અને અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધુળેટી રમ્યા હતા.
બપોરે મંદિરમાં ઉજવાયેલા ફુલડોળ ઉત્સવમાં ગોપાલલાલજીને ચાંદીના પારણે આસોપાલવ બાંધીને ઝુલાવાયા હતા. સવારે પાંચ વખત નવરંગો ઠાકોરજી ઉપર છાંટી ભક્તો ઉપર રંગોત્સવ મનાવવા માટે છાંટવામાં આવ્યો હતો. મંગળા આરતીથી ઠાકોરજીને તિલક કરી શ્વેત વસ્ત્રો ધારણ કરાવામાં આવ્યા હતા અને સોના-ચાંદીની પિચકારી તથા અબીલ-ગુલાલ અને હોળીના હારડા ધરાવવામાં આવ્યા હતા. ફુલડોળમાં બિરાજી સોના તેમજ ચાંદીની પિચકારીથી કેસુડાના રંગો ભક્તો ઉપર છાંટી પર્વની ઉજવણી કરાઈ હતી. ભગવાન રણછોડરાયને ધાણી, ચણા અને ખજૂરનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.બપોરના ૨ વાગ્યા સુધી ઠાકોરજીએ પુનમ દર્શન આપ્યા હતા. બાદમાં ઠાકોરજીને દ્રાક્ષની બગલીમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા અને આ દર્શન ઉસ્થાપન આરતી સુધી ચાલુ રહ્યા હતા. ત્યારબાદ નિત્યક્રમ મુજબ દર્શનાર્થીઓની આવકને ધ્યાનમાં રાખી રાત્રિના ૯ વાગ્યા સુધી મંદિર ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
4 દિવસમાં 10 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટયાં
આણંદ : ફાગણી પુનમને લઈ ડાકોરના ઠાકોરના દર્શનાર્થે ૩૦૦થી વધુ સંઘો આવ્યા હતા. તેમજ ૫૮૧ નાની ધજા અને બાવનગજની ૬૯ ધજા ઠાકોરજીના શીખર પર ચઢાવવામાં આવી હતી. ડાકોર ખાતે હોળી પુનમનો મેળો ચાર દિવસ સુધી ચાલતો હોય છે. જેમાં અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. સામાન્ય દિવસો દરમિયાન મદિર ખાતે ગર્ભગૃહમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન માટે ૧૦થી ૧૫ મિનિટનો સમય લાગતો હોય છે, ત્યારે પુનમના દિવસે લગભગ ૩૦ મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. ૧,૬૪,૨૨૦લાડુની પ્રસાદી વહેંચાઇ હતી.
આગળના દિવસથી જ શ્રદ્ધાળુંઓ ડાકોર પહોંચ્યા
આણંદ : ફાગણી પુનમને લઈ આગલા દિવસથી ભક્તો ડાકોર મુકામે આવી પહોંચ્યા હતા અને મંગળા આરતીના દર્શનની રાહ જોતા નજરે પડયા હતા. સવારે ૪ વાગ્યે મંગળા આરતી શરૂ થતાં જ ભક્તોએ રાજા રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.