આણંદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ : વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ઉંધા માથે
- નાગરિકોની લાપરવાહી તંત્રની બેદરકારીથી જિલ્લામાં કોરોના બેકાબુ
- શહેરમાં બે, ખંભાતમાં બે, વલાસણ ગામે એક, સોજીત્રાના પીપળાદમાં એક અને પેટલાદમાં એક કેસ નોંધાયો
આણંદ, તા.24 જૂન 2020, બુધવાર
કોરોના વાયરસ અંગે તંત્રની નિષ્કાળજી તેમજ નાગરિકોની લાપરવાહીને લઈને આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે. આણંદ જિલ્લામાં આજે વધુ બે નવા ગામોમાં કોરોના વાયરસે પગપેસારો કરતા સોજિત્રા તાલુકાના પીપળાવ ગામેથી તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામેથી કોરોનાના નવા બે અલગ-અલગ પોઝીટીવ કેસોની સાથે આજે જિલ્લામાં કોરોનાના કુલ સાત પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પીપળાવ તથા વલાસણ ઉપરાંત જિલ્લાના ખંભાત, પેટલાદ અને આણંદ ખાતેથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમો તુરત જ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારોમાં સેનીટાઈઝીંગની કામગીરી તેમજ આરોગ્ય પરીક્ષણ હાથ ધર્યું હતું.
આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર આવેલ યાદગાર સોસાયટી ખાતેથી આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો છે. યાદગાર સોસાયટી ખાતે રહેતા એક ૫૬ વર્ષીય મહિલા છેલ્લા એક સપ્તાહથી બિમાર હતા. તેઓએ સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી. જો કે તેઓની તબિયતમાં કોઈ સુધારો ન થતા અન્ય એક હોસ્પિટલમાં લઈ જવાતા તેઓનામાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. ઉપરાંત આણંદ શહેરની રાહી સોસાયટી ખાતે રહેતા એક ૪૬ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી સાંપડી છે.
બીજી તરફ કોરોના વાયરસે આણંદ જિલ્લાના વધુ એક ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કરતા આણંદ તાલુકાના વલાસણ ગામે પીપળાવાળી ખડકીમાં રહેતા એક ૭૦ વર્ષીય મહિલાને ઝપેટમાં લીધી છે. કેટલાક દિવસથી આ મહિલા બિમાર હતી. તેઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓની તબિયત ન સુધરતા ખાનગી લેબમાં પરીક્ષણ કરાવતા તેઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.
વધુમાં સોજિત્રા તાલુકાના પીપળાવ ગામેથી પણ એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. પીપળાવ ગામની ૭૫ વર્ષીય વૃધ્ધાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા સમગ્ર ગામમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે સાથે જિલ્લાના હોટસ્પોટ બની ચુકેલ ખંભાતના વધુ બે નવા વિસ્તારોમાંથી પણ કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. ખંભાતના મોટી ખોડીયાપુર ખાતે રહેતા એક ૬૨ વર્ષીય પુરૃષ તેમજ ઝમીલ મહોલ્લા ખાતે રહેતી એક ૭૧ વર્ષીય મહિલા કોરોનાની ઝપેટમાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે. વધુમાં પેટલાદની એક ૫૪ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ સાથે આજે જિલ્લામાં કોરોનાના કુલ સાત પોઝીટીવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ દર્દીઓનો આંક ૧૬૭ ઉપર પહોંચ્યો છે.