પેટલાદ તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ અને આણંદ તાલુકામાં એક ઈંચ વરસાદ
- બુધવારની રાત્રિના શહેર-જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
- મેઘરાજાની પ્રથમ ઇનિંગમાં ઠેર-ઠેર પાણી ભરાતા વહીવટી અને પાલિકા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી
આણંદ,તા.11 જૂન 2020, ગુરુવાર
દિવસ દરમ્યાન અસહ્ય ઉકળાટ અને વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સમગ્ર આણંદ જિલ્લામાં બુધવાર રાત્રિના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તેજ પવનો ફુંકાવાની સાથે સાથે વાદળોની ગર્જના વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મોસમના પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી હતી અને શહેર સહિત જિલ્લાના વિવિધ ઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા.
આણંદ તાલુકામાં બે કલાકમાં એક ઈંચ જ્યારે પેટલાદ તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. રાત્રિના સુમારે જિલ્લામાં ધોધમાર વરસાદ તુટી પડતા ઠેર-ઠેર વીજળી ડુલ થવાના તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સીસ્ટમ સર્જાતા સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લાના વાતાવરણમાં ગઈકાલ રાત્રિના સુમારે અચાનક પલ્ટો આવ્યો હતો. રાત્રિના ૧૦:૦૦ કલાકની આસપાસના સુમારે અચાનક જ તેજ પવનો ફુંકાવાના શરૂ થઈ ગયા હતા. થોડી જ મિનિટોમાં વાદળોની ગર્જના અને વીજળીના કડાકા વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને જિલ્લાના આણંદ, આંકલાવ, પેટલાદ તાલુકામાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો.
રાત્રિના ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન આણંદ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
સાથે સાથે જિલ્લાના પેટલાદ તાલુકામાં પણ રાત્રિના સુમારે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બાદમાં વરસાદનું જોર નરમ પડતા વિવિધ વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા હતા. જો કે આજે સવારના સુમારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા નજરે પડયા હતા.
આણંદ શહેરમાં ગત રાત્રિના સુમારે ખાબકેલ ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. આણંદ શહેરના આણંદ-વિદ્યાનગર રોડ, ગણેશ ચોકડી, ૧૦૦ ફૂટ રોડ, ધૂમ તલાવડી વિસ્તાર, શહેરનો પૂર્વ વિસ્તાર તેમજ વિવિધ રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
જો કે આજે સવારના સુમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ ફરમાવતા વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવા લાગ્યા હતા. પરંતુ કેટલાક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
જિલ્લામાં કુલ 115 મીમી વરસાદ
આણંદ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ ગઈકાલ રાત્રિના ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન જિલ્લાના આંકલાવ તાલુકામાં ૧૪ મી.મી., આણંદ તાલુકામાં ૨૭ મી.મી., પેટલાદ તાલુકામાં ૩૪ મી.મી., બોરસદ તાલુકામાં ૫ મી.મી. અને સોજિત્રા તાલુકામાં ૧૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૨:૦૦ થી ૨:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન આણંદ તાલુકામાં ૩ મી.મી., ખંભાત તાલુકામાં ૬, તારાપુર તાલુકામાં ૮, પેટલાદ તાલુકામાં ૩ મી.મી. વરસાદ વરસ્યો હતો. આજે સવારે ૮:૦૦ કલાક સુધીમાં જિલ્લામાં કુલ ૧૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
આણંદ, વિદ્યાનગરમાં વીજ પુરવઠો ખોરવાયો
બુધવાર રાત્રિના સુમારે આણંદ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. જોરદાર પવન ફુંકાવાની સાથે ધોધમાર વરસાદ તુટી પડતા આણંદ તેમજ વિદ્યાનગરમાં ઠેર-ઠેર વીજળી ડુલ થવાના બનાવો બન્યા હતા. આણંદ પાસેના વિદ્યાનગરના વિવિધ વિસ્તારોમાં ગઈકાલ રાત્રિના સુમારે ભારે વરસાદના કારણે કલાકો સુધી વિજળી ડુલ થઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. મોસમના પ્રથમ વરસાદે જ સ્થાનિકોની આ હાલત છે તો ચોમાસા દરમ્યાન શું હાલત થશે તે ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે.