કરમસદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં ઑફલાઇન શિક્ષણ શરૂ થતા ફફડાટ
- ક્લાસરૂમ, કેન્ટીન, મેસ અને હોસ્ટેલમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોનાની દહેશત
આણંદ, તા.19 નવેમ્બર 2020, ગુરુવાર
રાજ્યમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે આગામી તા.૨૩ નવેમ્બરથી સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવાના નિર્ણયને લઈ વાલીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આણંદ પાસેના કરમસદ સ્થિત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મંગળવારના રોજથી કોલેજમાં બોલાવી ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરાતા વાલીઓમાં ભારે ફફટાડ સાથે ચિંતાની લાગણી વ્યાપી છે.
કોલેજના ક્લાસરૂમ, કેન્ટીન, મેસ તેમજ હોસ્ટેલ સહિતના સ્થળોએ સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતુ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરાયો છે ત્યારે આ પરિસ્થિતિમાં જો કોરોના વકરશે તો તેની જવાબદારી કોના શિરે ? તે પ્રશ્નને લઈ વાલીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ કરમસદ સ્થિત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થોડા દિવસ અગાઉ કોલેજ સંચાલકો દ્વારા મંગળવારથી કોલેજમાં હાજર થવા માટે ફોન કોલ આવ્યા હતા. જે માટે વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ માંગવામાં આવ્યુ હતુ. બાળકોનું શિક્ષણ બગડે નહિ તેને ધ્યાનમાં રાખતા વાલીઓએ કોલેજ સંચાલકોને પ્રોટોકોલ બાબતે પુછતાં સરકાર દ્વારા નક્કી કરાયેલ પ્રોટોકોલનું પાલન કરાશે તેમ જણાવતા વાલીઓએ સંમતિપત્ર આપ્યું હતું.
જો કે મંગળવારના રોજથી શરૂ કરાયેલ ઓફલાઈન શિક્ષણમાં કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા નથી તેમજ હોસ્ટેલમાં એક જ રૂમમાં ૩ જેટલા વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. ઉપરાંત કેન્ટીન-મેસમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ ન હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. આજરોજ એક વિદ્યાર્થીનીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચા કોલેજ સંકુલમાં ઉઠી હતી.
આ વિદ્યાર્થીનીને રજા આપી દેવાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઓનલાઈન શિક્ષણકાર્ય શક્ય હોવા છતાં કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને હોસ્ટેલ સહિતની અલગ-અલગ ફી પરત ન કરવી પડે તે માટે મનમાની કરવામાં આવી રહી હોવાનું જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ કોલેજ સંચાલકો દ્વારા વ્યક્તિગત નુકસાન પહોંચાડવાના ડરથી પાછીપાની કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ડીને કહ્યું કૉમ્યુનિકેશન વિભાગ વાત કરશે
આ અંગે પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીનનો ટેલીફોનીક સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે હું કોમ્યુનીકેશન વિભાગમાં કહુ છું, ત્યાંથી તમારી સાથે વાત કરશે તેમ જણાવી ફોન કટ કરી દીધો હતો.