ચૌહાણપુરા સીમમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો : પત્ની અને તેનો પ્રેમી જ આરોપી
- છૂટાછેડા ન મળતા પત્નીએ કારસ્તાન રચ્યું : મદદ કરનારા અન્ય બે શખ્સોની પણ ધરપકડ થઈ
- પેટલાદ તાલુકાના ખડાણા ગામના તાબાના
આણંદ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા ગામની ચૌહાણપુરા સીમમાં ગત શનિવારના રોજ સવારના સુમારે ઘરની બહાર સુઈ રહેલ યુવકની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ ઘરની પાછળના ખેતરમાંથી મળી આવ્યો હતો. જે અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે બે દિવસમાં હત્યાના ભેદ ઉપરથી પડદો ઉચકતા યુવકની પત્ની તથા તેના પ્રેમી સહિત ચાર શખ્શોએ મળી આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામતા પોલીસે પત્ની તથા પ્રેમી સહિત ચાર શખ્શોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ પેટલાદ તાલુકાના ખડાણા ગામે ચૌહાણપુરા સીમમાં રહેતા દિનેશભાઈ નટુભાઈ ચૌહાણ ગત શુક્રવારના રોજ રાત્રિના સુમારે ઘરની બહાર ખાટલામાં સુઈ ગયા હતા. દરમ્યાન શનિવાર સવારના સુમારે ઘરની પાછળ આવેલ ખેતરમાંથી ખાટલામાં સુતેલી હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કોઈ શખ્શોએ દિનેશભાઈની કરપીણ હત્યા કરી નાખી હોવાનું ખુલતા આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં દિનેશભાઈની પત્ની કરૃણાબેન ઉર્ફે રંજન શંકાના દાયરામાં આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં કરૃણાબેનને તેઓના પિયર ઝાલાબોરડી ગામે રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસની ટીમે ઝાલાબોરડી ગામે પહોંચી કરૃણબેનના પ્રેમી અરવિંદસિંહ બળવંતસિંહ પરમારની ઉલટ તપાસ કરતા આ ઘટનાનો ભાંડો ફુટયો હતો અને તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
લગ્ન અગાઉ બંધાયેલ અરવિંદસિંહ અને કરૃણાબેનના પ્રેમસંબંધનો સીલસીલો લગ્ન બાદ પણ ચાલુ રહ્યો હતો અને કરૃણાબેન પતિ દિનેશભાઈ સાથે છુટાછેડા લેવા પ્રયત્ન કરતી હતી. પરંતુ દિનેશભાઈ છુટાછેડા આપતો ન હોઈ આખરે કરૃણાબેન તથા તેના પ્રેમીએ મળી દિનેશભાઈનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ઝાલાબોરડી ગામે રહેતા અનિરૃધ્ધસિંહ ઉર્ફે વિપુલ ભગવાનસિંહ પરમાર અને ગોપાલસિંહ દલપતસિંહ પરમાર સાથે મળી ગત તા.૩ના રોજ દિનેશભાઈ ઘરની બહાર સુતા હતા ત્યારે કરૃણાબેને પ્રેમી તથા તેઓના મિત્રોને ફોન કરીને બોલાવતા ત્રણેય જણ આવી ચઢ્યા હતા અને પ્રેમી અરવિંદસિંહે ચપ્પાના ઘા મારી દિનેશભાઈની હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવા ઘરની પાછળના ભાગે આવેલ નીલગીરીના ખેતરમાં ખાટલા સાથે ઉચકી લઈ જઈ મુકી આવ્યા હતા. આ કબુલાતના આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે પત્ની તથા તેણીના પ્રેમી તેમજ મદદગારી કરનાર બંને શખ્શો સહિત ચારેયની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.