Get The App

ઉમરેઠના સૈયદપુરા અને વણસોલની શાળાઓમાં પુસ્તકોનું વિતરણ ન થતા આચાર્યોને નોટિસ

- હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
ઉમરેઠના સૈયદપુરા અને વણસોલની શાળાઓમાં પુસ્તકોનું વિતરણ ન થતા આચાર્યોને નોટિસ 1 - image


- ફરજમાં બેદરકારી બદલ બંને શાળાના મુખ્ય શિક્ષકોને ડીપીઓએ નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો આપવા જણાવાયું

આણંદ,તા. 25 જૂન 2020, ગુરુવાર


કોરોનાની મહામારી વચ્ચે બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી વિવિધ સરકારી તેમજ ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

 સાથે સાથે આણંદ જિલ્લામાં શાળાના બાળકોને પાઠયપુસ્તકોનું વિતરણ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે.  ત્યારે જિલ્લાના ઉમરેઠ તાલુકાના સૈયદપુરા અને વણસોલ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકોનું વિતરણ બાકી રહેલ હોવા સહિતની ક્ષતિઓ ઉજાગર થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને ફરજમાં બેદરકારી બદલ નોટીસ પાઠવતા શિક્ષણ આલમમાં ખળભળાટી મચી જવા પામી છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૫ ઓગષ્ટ સુધી શાળાઓ બંધ રાખવાના આદેશ કરાયા છે. જો કે કેટલીક સરકારી સહિત ખાનગી શાળાઓ દ્વારા હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પાઠયપુસ્તક તેઓના ઘરે પહોંચાડવા માટે જે-તે શાળા ખાતે મોકલી અપાયા છે. જો કે આણંદ જિલ્લામાં કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા પાઠયપુસ્તકોના વિતરણમાં આળસ દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદીતા ચૌધરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. જેમાં ઉમરેઠ તાલુકાની સૈયદપુરા તેમજ વણસોલ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા અનેક ક્ષતિઓ ધ્યાનમાં આવી હતી.

આ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકોનું વિતરણ કરવાનું બાકી હોવા સહિત ઓનલાઈન શિક્ષણના આયોજનનો અભાવ તથા શાળાકીય કામગીરી બાકી હોવાનું ઉજાગર થતા સૈયદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ વણસોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને ફરજમાં બેદરકારી દાખવવા બદલ નોટીસ પાઠવવામાં આવી છે. સાથે સાથે સાત દિવસમાં પુરાવા સાથે આ અંગે ખુલાસો કરવા પણ તાકીદ કરાઈ છે. જો નિયત સમયમર્યાદામાં આ અંગે કોઈ ખુલાસો કરવામાં નહી આવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવતા આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાલીયાવાડી ચલાવતા શિક્ષકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

Tags :