For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નોટોના દલાલો સક્રિય બન્યા, 10 ટકા સુધીનું કમિશન લઇ નોટો બદલી આપવાનો વેપલો શરૂ

Updated: May 24th, 2023

Article Content Image

- નોટબંધી જેવી પરિસ્થિતિઓનો સામનો કરતા લોકો

આણંદ : આરબીઆઈ દ્વારા રૂા.૨ હજારની નોટને ચલણમાંથી પરત લેવાના આદેશ બાદ નોટ બદલવાના જાહેર કરેલ નિતી-નિયમોના કારણે આણંદ જિલ્લામાં ઘણા ખરા બે નંબરીયાઓની ઉંઘ હરામ થઈ જવા પામી છે. તો બીજી તરફ નોટબંધીની જેમ હવે દલાલો સક્રીય બન્યા છે અને સાતથી દસ ટકાના કમિશનથી નોટ બદલવાના વેપલા પણ શરૂ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આરબીઆઈ દ્વારા ગત શુક્રવારે રૂા.૨ હજારની નોટને ચલણમાંથી પરત લેવા જાહેરાત કરાઈ હતી. ઉપરાંત આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકમાં રૂા.૨ હજારની નોટ જમા કરાવવા સાથે નોટ બદલીની વ્યવસ્થા ઉભી કરવા સાથે કેટલાક નિયમો પણ જાહેર કરાયા હતા. તેની સીધી અસર બજારમાં જોવા મળી હતી. આણંદ જિલ્લાના બજારમાં કેટલાક પેટ્રોલ પંપ તથા હોટલ સંચાલકો સહીતના વેપારીઓ દ્વારા રૂા.૨ હજારની નોટનો અસ્વીકાર કરવામાં આવતા વિખવાદ ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ બેંકમાં પ્રતિદિન રૂા.૨ હજારની દસ નોટ જ બદલી શકાશે તેવા નિયમના પગલે બે નંબરીયાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. 

સાથે સાથે બજારમાં કેટલાક દલાલો પણ સક્રીય બન્યા છે અને સાતથી દસ ટકા કમિશન ઓફર કરી મોટા પ્રમાણમાં નોટ બદલી આપવાની ઓફર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલ નોટબંધી સમયે નોટ બદલવા માટે દલાલો દ્વારા ઉંચું કમિશન વસૂલી વેપલા કરાયા હતા. આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું માર્કેટમાં ચર્ચાની એરણે ચઢ્યું છે. જો કે આરબીઆઈ દ્વારા નોટ બદલવા માટે પુરતો સમય આપ્યો હોઈ જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ ટકાવારી ઉંચી જશે તેવી પણ વાતો વહેતી થઈ છે.

બેંકોએ ગ્રાહકોને ફોર્મ ભરાવ્યા, આઇડી પ્રુફ માંગ્યા

આરબીઆઈ દ્વારા રૂા.૨ હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાના કરેલ નિર્ણય બાદ આજથી આ અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે આણંદ જિલ્લામાં આવેલ મોટા ભાગની બેંક શાખાઓમાં ખાસ ભીડભાડ જોવા મળી ન હતી. જો કે આરબીઆઈના આદેશ છતાં આણંદની કેટલીક શાખાઓમાં ગ્રાહકોને બેંકનો કડવો અનુભવ થયો હતો અને કેટલીક શાખામાં રૂા.૨ હજારની નોટ બદલવા જતા ગ્રાહકો પાસે ફોર્મ ભરવાનું કહી તેમની પાસેથી આઈડી પ્રૂફની માંગણી કરવામાં આવતા ગ્રાહકો ક્ષોભમાં મુકાયા હતા.

ગંજબજારમાં 2 હજારની નોટ લેવાનું બંધ કરાતા હાલાકી

રૂપિયા બે હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત થતાંની સાથે જ બજારોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા હતા. ત્યારે આરબીઆઈની જાહેરાત બાદ આણંદ જિલ્લાના સુવિખ્યાત આણંદ સ્થિત સરદાર ગંજ બજારમાં પણ કેટલાક વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રૂા.બે હજારની નોટનો સ્વીકાર બંધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લગ્નગાળાની સીઝન વચ્ચે સીધુ-સામગ્રીની ખરીદી કરવા આવતા ગ્રાહકો માલસામાનના બદલામાં રૂા. બે હજારની રોકડ નોટો આપતા હોય ત્યારે અગાઉથી જ કાળું નાણુ ધરાવતા કેટલાક વેપારીઓ દ્વારા રૂા.બે હજારની નોટનો અસ્વીકાર કરવામાં આવતો હોવાનું ગ્રાહકો જણાવી રહ્યાં છે.

Gujarat