Gujarat

આણંદમાં નવા બસ સ્ટેન્ડે મુસાફરો વધુ છતાં પણ સુવિધાનો અભાવ

By GS Team
26 Aug 20242 mins read
This article was originally published on 26 Aug 2024
આણંદમાં નવા બસ સ્ટેન્ડે મુસાફરો વધુ છતાં પણ સુવિધાનો અભાવ

- 15 વર્ષ થવા છતાં મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર

- રેલવે સ્ટેશન પાસેના સુવિધાવાળા જૂના બસ સ્ટેન્ડમાં બસો નહિવત્ હોવાથી મુસાફરો જતા નથી

આણંદ : આણંદમાં રેલવે સ્ટેશન પાસે જૂના બસ સ્ટેન્ડને બે વર્ષ અગાઉ અદ્યતન બનાવાયું પરંતુ ત્યાં બસોની સંખ્યા નહિવત્ હોવાથી મુસાફરો પણ ઓછા હોય છે. જ્યારે ગ્રીડ ચોકડી પાસે નવા બસ સ્ટેન્ડે મુસાફરો અને વિદ્યાર્થીઓનો ભારે ધસારો હોવા છતાં તેની હાલત બિસ્માર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

વર્ષો અગાઉ કોમી દાવાનળને કારણે આણંદના જૂના બસ સ્ટેન્ડને ખસેડવામાં આવ્યું હતું. ઉતાવળથી થયેલા બસ સ્ટેન્ડમાં તે સમયે પતરા નાખીને અને મુસાફરો માટે બેસવાના બાકડા નાખીને તાત્કાલિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જેના ૧૫ વર્ષ પછી પણ બસ સ્ટેન્ડનો સુધારો કરવા અને અધ્યતન બનાવવા કોઈપણ જાતની ગ્રાન્ટ વાપરવામાં આવી નથી. જેથી હજારો મુસાફરોને બેસવાની પણ જગ્યા મળતી નથી અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને બસની રાહ જોવા ઊભા રહેવું પડે છે. ઉનાળામાં પતરા તપી જતા મુસાફરો ગરમીમાં હેરાન થાય છે. પીવાના પાણી પણ ફિલ્ટર નથી અને ચકલીઓ પાસે ગંદકી ખદબદે છે. શૌચાલયની દશા પણ ખરાબ છે. આ બાબતે મુસાફરોનું કહેવું છે કે, બે વર્ષ અગાઉ જરૂર ન હોવા છતાં જુના બસ સ્ટેન્ડને અધ્યતન બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે સરકારના પૈસાને વેડફી નાખવા સમાન છે. કારણ કે ત્યાં બસોની સંખ્યા નહિવત છે અને મુસાફરો પણ બહુ હોતા નથી. જ્યારે નવા બસ સ્ટેન્ડમાં ગ્રાન્ટની જરૂર છે છતાં પણ ફાળવવામાં આવતી નથી. આણંદ મુખ્ય શહેર હોવા છતાં હલકી કક્ષાનું બસ સ્ટેન્ડ કલંક બની ગયું છે.