આણંદ જિલ્લાના નીચાણવાળા ગામોને સચેત કરી જરૃરી પુરવઠાની વ્યવસ્થા કરાઈ
- નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
- વાવાઝોડાની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ફૂડ પેકેટનું વિસ્તરણ કરવાનું પ્રતિનિધિઓ દ્વારા આયોજન કરાયું
આણંદ, તા.3 જૂન 2020, બુધવાર
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિમાં આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારના ગામોમાં નાગરિકોને અનાજ, પુરવઠો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.
જેથી ગરીબ શ્રમિક પરિવારોને ખાદ્યસામગ્રી સરળતાથી મળી રહે તે માટે સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત થાય તેવા દરિયા કિનારાના સંભવિત ગામના રેશનકાર્ડધારકો જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ છે તે વ્યાજબી ભાવની દુકાનો ઉપર તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરેપૂરો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થાય તો આગોતરા આયોજનના ભાગરૃપે વિતરણની કામગીરી નિયત સમયે શરૃ કરી શકાય. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોના ગેસ ધારકોને સમય મર્યાદામાં ગેસ સીલીન્ડર અચુક મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ દરમ્યાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી તથા ફુડ પેકેટનું વિતરણ કરી શકાય તે માટે જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ/ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે, સંકલન રાખી તે અંગેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલની કોરોના (કોવિડ-૧૯)ની પરિસ્થિતિમાં વાજબી ભાવની દુકાન ઉપર તમામ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો કામગીરીમાં સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય, માસ્ક, સેનીટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝનો ફરજીયાત ઉપયોગ કરવા તમામ સંબંધિતોને સુચના આપવામાં આવી છે.
સંભવિત વાવાઝોડા પરિસ્થિતિમાં અસરગ્રસ્ત ગામોમાં ગામ તાલુકાના ગોડાઉન પર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો અને જે ગામોમાં સંપર્ક વિહોણાં બને તેવા ગામે જરૃર જણાયે જથ્થો પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા માટે ડમ્પરો/હાઈ ચેસીસ વાહનોની અને જરૃરી ડ્રાઈવરોની વિગતો આપના હસ્તક/સંબંધિત મામલતદાર હસ્તક દ્વારા હાથ આવી પરિસ્થિતિમાં ડમ્પર દ્વારા અથવા હાઈ ચેસીસ વાહનો દ્વારા ગોડાઉનથી જથ્થો ભરાવીને અસરગ્રસ્ત ગામ/વિસ્તાર સુધી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સરળતાથી પહોંચે તે માટે આયોજન કરાયું છે. જિલ્લાના તમામ તાલુકાના સરકારી ગોડાઉનમાં જરૃરિયાત મુજબનો જથ્થો જળવાય રહે તે માટે એફસીઆઈથી તાલુકા ગોડાઉન ખાતે જથ્થો ઉપાડ સમયસર થાય તે માટે નિગમના સંબંધિત અધિકારીઓ સાથે સંકલન રાખી તે મુજબનું મોનીટરીંગ ગોઠવીને અને ડોરસ્ટેપ ડિલિવરીથી વાજબી ભાવની દુકાનો ઉપર પહોંચતો કરવા માટે તેમજ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં અને પાણી ભરાઈ જાય તેવા સંભવિત ગામોમાં ઉપલબ્ધ કરાવેલ જથ્થો પલળી ન જાય તે માટેની કામગીરી કરવા તેમજ તાડપત્રી પ્લાસ્ટિક વિગેરેથી સુરક્ષિત રાખવા જરૃરી સૂચનાઓ આપવામાં આવી છે.