આણંદ જિલ્લામાં માસ સી.એલ. પર જનાર 70 થી વધુ શિક્ષકોને નોટિસ
- સરકાર સાથે વિવિધ મંડળોની મહત્વની બેઠક યોજાઈ હતી
- માસ સી.એલ. ઉપર રહેવું કે નહી તે અંગે શિક્ષકોમાં અવઢવભરી પરિસ્થિતિ સર્જાઈઃજિલ્લામાં કુલ 531 શિક્ષકો ગેરહાજર રહ્યા
આ મામલે જિલ્લા કે રાજ્ય સ્તરના હોદ્દેદારો દ્વારા કોઈ સ્પષ્ટતા ન કરાતા આણંદ જિલ્લામાં કુલ ૫૩૧ શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. પરંતુ તેમાંથી માસ સી.એલ. મુકીને શાળામાં ગેરહાજર રહેનાર ૭૦થી વધુ શિક્ષકોને નોટિસ આપવામાં આવી હોવાનુ જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યની સાથોસાથ આણંદ જિલ્લામાં પણ પડતર માંગણીઓ મામલે વિવિધ સરકારી કર્મચારીઓ વિવિધ પ્રકારે રજૂઆતો સાથે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં સરકારી શાળાઓના પ્રાથમિક શિક્ષકો પણ જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ સંદર્ભે સરકાર સામે બાંયો ચડાવી આંદોલનમાં જોડાયા હતા. જેને લઈ તાજેતરમાં રાજ્ય મંડળના આદેશ અનુસાર અન્ય જિલ્લાની સાથે આણંદ જિલ્લાના શિક્ષકોએ પણ સાગમટે માસ સી.એલ. મુકવાનું એલાન કર્યું હતું. ત્યારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પહોંચે તે રીતે સાગમટે માસ સી.એલ. મુકનાર શિક્ષકો સામે રાજ્યસ્તરેથી લાલ આંખ કરાતા આણંદ જિલ્લાના ગેરહાજર રહેનાર ૭૨ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. જેને લઈ આણંદ જિલ્લામાં કાર્યરત બંને શિક્ષક સંઘો ઉપર આ મામલે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવાનું શિક્ષકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સાથે સાથે સરકાર દ્વારા જુની પેન્શન યોજના મામલે સ્પષ્ટતા ન કરી હોવા છતાં માસ સીએલ આંદોલન મોકૂફ રખાતા આણંદ જિલ્લાના શિક્ષકોમાં સંઘની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જેને પગલે બંને સંઘોમાંથી લગભગ સાતેક તાલુકા પ્રમુખોએ વોટ્સએપ દ્વારા રાજીનામા મોકલ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીએ જણાવ્યું હતું કે જુની પેન્શન યોજના મામલે આવેશમાં આવી જઈને વોટ્સએપ દ્વારા તાલુકા પ્રમુખોએ રાજીનામા મોકલ્યા હતા પરંતુ કુલ ૧૫ પૈકી ૧૪ માંગણીઓનો સ્વીકાર થયાની સ્પષ્ટતા બાદ રાજીનામા પરત પણ લઈ લીધા હોવાની વાત જણાવી હતી.
વોટ્સએપમાં રાજીનામું મોકલવું એ સંઘના બંધારણમાં નથીઃ શૈક્ષિક મહાસંઘના પ્રમુખ
જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રમુખે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના મામલે આવેશમાં આવી જઈ તાલુકા પ્રમુખોએ વોટ્સએપ દ્વારા મોકલાવેલા રાજીનામાં સંદર્ભે વોટ્સએપમાં રાજીનામું મોકલવું એ સંઘના બંધારણમાં નથી. ખરેખર રાજીનામું તાલુકા કારોબારીમાં મંજુર થઈને જિલ્લા કારોબારીમાં રજૂ થાય ત્યારબાદ તેની ઉપર નિર્ણય લેવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.