ફી માફી મુદ્દે ડીઇઓ કચેરીને તાળાબંધી
- કોરોના વચ્ચે આણંદ શહેર તાલુકાની શાળા અને કોલેજોમાં
- એનએસયુઆઈના કાર્યકરોએ કચેરી પાસે ધરણાં પણ યોજ્યાં પણ પોલીસે અટકાયત કરી લીધી
આણંદ, તા.8 જુલાઈ 2020, બુધવાર
કોરોના વાયરસની મહામારી વચ્ચે શાળા અને કોલેજોમાં ફી માફ કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે આણંદ ખાતે આજરોજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે ગણતરીના કાર્યકરો સાથે એનએસયુઆઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરે તે પૂર્વે જિલ્લા સેવા સદનના પરિસરમાં જ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
કોરોના વાયરસની મહામારી વચ્ચે વિવિધ વિદ્યાર્થી યુનિયનો દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓની માંગને લઈ સરકાર સમક્ષ અલગ-અલગ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ પરીક્ષા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે એનએસયુઆઈ દ્વારા શાળા-કોલેજોની ફી માફી અંગેનો મુદ્દો ઉઠાવી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા થોડા દિવસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. દરમ્યાન આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગણતરીના એનએસયુઆઈના કાર્યકરો જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. પરંતુ સેવા સદન ખાતે હાજર પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જો કે છાશવારે વિવિધ માંગોને લઈ પ્રદર્શન કરવા નીકળતા આવા વિદ્યાર્થી યુનિયનોના કાર્યકર્તાઓને પોલીસ અટકાયત કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ છોડી મુકતી હોઈ જાગૃતોમાં પણ પોલીસની કામગીરી ટીખળ બની હોવાનો સુર વ્યાપ્યો છે.