Get The App

ટ્રકમાં લાકડાના પાટિયાની આડમાં લઈ જવાતો 6.73 લાખનો દારૂ ઝડપાયો

Updated: Dec 23rd, 2023

GS TEAM


Google News
Google News
ટ્રકમાં લાકડાના પાટિયાની આડમાં લઈ જવાતો 6.73 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- વાસદ ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન

- પોલીસને જોઈ ડ્રાઈવર નાસી ગયો, દારૂની 4,140 બોટલ તથા બિનવારસી ટ્રક મળી

આણંદ : વાસદ પોલીસે શુક્રવારે પરોઢના સુમારે વાસદ ટોલ નાકા નજીકથી એક ટ્રકમાં લાકડાના પાટિયાના ભંગારની આડમાં લઈ જવાતો રૂા.૬.૭૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂા.૧૧.૭૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

વાસદ પોલીસની ટીમ થર્ટી ફર્સ્ટ તહેવારને લઈ વાસદના ટોલ નાકા નજીક વાહન ચેકિંગમાં હતી. દરમિયાન વડોદરા તરફથી એક ટ્રક આવી ચઢતા ચેકીંગમાં ઉભેલ પોલીસની ટીમે ટ્રકને થંભાવવા માટે ઈશારો કર્યો હતો. જો કે પોલીસને દુરથી જોઈ ટ્રક ચાલકે થોડેક દૂર ટ્રક થોભાવી ટોલ પ્લાઝા નજીક આવેલા કાંસમાં ઉતરી ફરાર થઈ ગયો હતો. 

પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ પોલીસે ટ્રકમાં તપાસ કરતા પાછળના ભાગે સુકા લાકડાના પાટિયા ભર્યા હોવાનું પ્રથમ નજરે જોવા મળ્યું હતું. આ પાટિયા હટાવીને જોતા નીચેથી વિદેશી દારૂ  ભરેલા બોક્સ મળી આવ્યા હતા. 

જેથી પોલીસે બિનવારસી ટ્રકને પોલીસ મથકે લાવી ગણતરી કરતા અંદરથી વિદેશી દારૂની કુલ-૪૧૪૦ નંગ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત  કિં.રૂા.૬,૭૩,૮૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂા.૧૧,૭૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક માલિક રાજસ્થાનનો હોવાનું ટ્રકમાંથી મળેલી ફાઈલમાંથી ખુલ્યું

વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરેલો ટ્રક બિનવારસી હાલતમાં મુકી ચાલક ફરાર થઈ ગયા બાદ પોલીસે ટ્રકના કેબીનમાં તલાશી લેતા એક ફાઈલમાંથી ટ્રકના દસ્તાવેજી પુરાવા મળ્યા હતા. 

જેમાં બંસીલાલ રૂપલાલજી કાપીયા નામનું લાયસન્સ તથા આર.સી. બુકમાં ટ્રક માલિક તરીકે શિવલાલ અર્જુનલાલ ભગોરા (રહે.રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. સાથે સાથે બિલ્ટ્રીમાં રીસીવર તરીકે સત્યેન્દ્ર પેકેજીંગ લી. (નાવલી, વડોદ રોડ, આણંદ) હોવાનું લખ્યું હતું પરંતુ બિલ્ટ્રી ખોટી હોવાની હકિકત જણાઈ હતી.

Tags :