FOLLOW US

તબેલાની આડમાં ચાલતો દારૂનો ગોરખધંધો, 2 શખ્સોની ધરપકડ

Updated: May 23rd, 2023


- આણંદ પાસેના બાધરપુરા સીમમાં દારૂ કટિંગનો પર્દાફાશ

- તબેલાની ઓરડીમાં ઘાસની અંદર 11.77 લાખનો વિદેશી દારૂ સંતાડયો હતો

આણંદ : આણંદ પાસેના વઘાસી ગામની બાધરપુરા સીમમાં આવેલ એક તબેલાની ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૭૧ પેટીઓ સાથે બે શખ્સોને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂા.૧૧.૭૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અર્થે બંને શખ્સોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આણંદ તાલુકાના વઘાસી ગામના બાધરપુરા સીમમાં આવેલા એક તબેલામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને કારમાં કટીંગ કરાઈ રહ્યું હોવાની ગુપ્ત બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા બે શખ્સો તબેલામાંથી વિદેશી દારૂનો જથ્થો કારમાં મુકતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તબેલામાં આવેલ ઓરડીમાં તપાસ કરતા ઘાસચારાની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ માર્કાની ૨૭૧ પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિં.રૂા.૧૧,૭૭,૪૦૦ જેટલી થવા જાય છે. પોલીસે બંને શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે વિરેન્દ્ર ઉર્ફે શંભુ ડાભી તેમજ સુનીલ ઉર્ફે અજય સ્વામી (રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સોની અંગઝડતીમાંથી રોકડા રૂા.૩૨ હજાર તેમજ ત્રણ મોબાઈલ ફોન અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા.૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ બંને શખ્સો વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  વઘાસી ગામના બાધરપુરા સીમમાં આવેલ વિરેન્દ્ર ઉર્ફે શંભુના તબેલામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. જો કે મોટા ભાગની વિદેશી દારૂની પેટીઓ કટીંગ થઈ ગઈ હતી. હાલ તો પોલીસે આ વિદેશી દારૂ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો તેમજ આ વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Gujarat
IPL-2023
Magazines