પેટલાદના સિંહોલમાં અનાજની દુકાનમાં ક્ષતિઓ જણાતા 90 દિવસ માટે પરવાનો રદ
- મામલતદારે ઓચિંતી તપાસ હાથ ધરતા દુકાન સંચાલકની અનેક ક્ષતિઓ પકડાઈ
આણંદ, તા.29 મે 2020, શુક્રવાર
પેટલાદ તાલુકાના સિંહોલ ગામે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પર મામલતદારે તપાસ હાથ ધરતા ગેરરીતિઓ પકડાઈ હતી જેના સંદર્ભે દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરી દેવાયો હતો.
મનીષાબેન પૂનમભાઈ જાદવ સંચાલિત આ દુકાનમાં ઉઘડતો જથ્થો, ભાવ, વિતરણ પ્રમાણ, કાર્ડ સંખ્યા, કામકાજના કલાકો દર્શાવતું બોર્ડ, બીપીએલ યોજનાના લાભાર્થીઓની યાદી, દુકાન આગળ સંચાલકનો ફોટો વગેરે બાબતોમાં બેદરકારી તથા રજૂ થયેલો સ્ટોક જોતાં ૧૦મે સુધી અનાજનો જથ્થો ઉપાડાયો નથી તથા સતત વિતરણ કરાયું નથી, તા. ૨૨-૨૩ના રોજ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય દુકાન બંધ રાખી હતી, માસિક પત્રકો મોકલાયા નથી. ગામ પુરવઠા તકેદારીની મિટિંગ બોલાવાઈનથી. વિઝિટ બુકમાં અગાઉની તપાસણીમાં દર્શાવેલી ક્ષતિઓનું પુનરાવર્તન, ૧૧૫ કાર્ડ ધારકોને વિતરણ કરાયું નથી. અનાજના જથ્થામાં ઘટ સહિતની અનેક ક્ષતિઓ જણાતા પરવાનો મોકૂફ કરાયો છે.