આડા સંબંધનો વહેમ રાખીને પતિએ જ પત્નીને પથ્થરના ઘા મારી પતાવી દીધી
- ઉમરેઠની થામણા ચોકડી પાસેની ઘટનાથી ચકચાર
- ઝઘડો થયા બાદ પત્ની સુઈ જતાં પતિએ માથામાં પથ્થર માર્યો : હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી
આણંદ, તા.9 જૂન 2020, મંગળવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ચોકડી પાસે ગઈકાલ રાત્રિના સુમારે આડા સંબંધનો વહેમ રાખી પતિએ પત્નીના માથામાં પથ્થરનો ઘા કરી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા જિલ્લાના વતની રમણભાઈ મગનભાઈ વસાવા છેલ્લા ઘણાં વર્ષોથી પોતાના પરિવાર સાથે ઉમરેઠની થામણા ચોકડી નજીક આવેલ ઉત્સવ પાર્ક પાસેની ગોકુલ સોસાયટી પાછળ રહે છે. આ પરિવાર મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. રમણભાઈ વસાવાના પુત્ર અશોકભાઈ વસાવાને છેલ્લા કેટલાક માસથી પોતાની પત્ની પ્રવિણાબેન (ઉં.વ.૩૭)ને કોઈ સાથે આડો સંબંધ હોવાનો ખોટો વહેમ હતો. જેને લઈ તેઓની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. દરમ્યાન ગઈકાલ રાત્રિના સુમારે પરિવારના સભ્યો સુઈ ગયા હતા ત્યારે પતિ અશોકભાઈ વસાવાએ એક મોટો પથ્થર લઈ આવી ગાઢ નીંદ્રા માણી રહેલ પ્રવિણાબેનના માથામાં ઝીકી દેતા ગંભીર ઈજાઓ થવાના કારણે પ્રવિણાબેનનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સવારના સુમારે પરિવારજનોને આ વાતની જાણ થતા તેઓએ તુરંત જ ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. જેથી ઉમરેઠ પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યા કરી ફરાર થઈ ગયેલ અશોકભાઈ વસાવાને થામણા ચોકડી ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે અશોકભાઈ વસાવાની પ્રાથમિક પુછપરછ કરતા તેની પત્નીને કોઈ સાથે આડો સંબંધ હોવાનો વહેમ હતો. જેને લઈ આ હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી હતી.