આણંદ શહેર-જિલ્લામાં જલારામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ
- કોરોનાના કારણે જાહેર કાર્યક્રમો રદ કરાયા
- મંદિરોમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી માત્ર પાદુકા પૂજન, ભક્તોએ દર્શનનો લાભ લીધો
આણંદ, તા.21 નવેમ્બર 2020, શનિવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કોરોનાના કહેર વચ્ચે જલારામ જ્યંતિની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે મોટાભાગના જલારામ મંદિરો ખાતે જાહેર કાર્યક્રમો રદ કરાયા હતા અને માત્ર પાદુકા પૂજન તેમજ દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો હતો.
સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે ત્યારે આજે જલારામ જ્યંતિ નિમિત્તે આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ આવેલ જલારામ મંદિરો ખાતે જાહેર કાર્યક્રમો મોકૂફ રાખી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી.
આણંદ શહેર સ્થિત સુવિખ્યાત જલારામ મંદિર ખાતે વહેલી સવારથી જ બાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં ભક્તોને દર્શન માટે એન્ટ્રી અપાઈ હતી. જિલ્લાના ધર્મજ ગામે દર વર્ષે જલારામ જ્યંતિ નિમિત્તે ત્રિદિવસીય મેળો યોજાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે તે મોકૂફ રખાયો હતો અને ધર્મજ ખાતેના જલારામ મંદિરના ભક્તોએ બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો. જિલ્લાના ઉમરેઠ, સોજિત્રા તથા તારાપુર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરોમાં સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી.
વિવિધ જલારામ મંદિરો ખાતે આજે પાદુકાપૂજન કાર્યક્રમ યોજાયા હતા. આણંદ શહેર સ્થિત જલારામ મંદિર ખાતે આજે સવારના સુમારે આરતી તેમજ યજ્ઞાનું આયોજન કરાયું હતું. જો કે મંદિરમાં ભીડ એકત્ર ન થાય તે હેતુથી ભજન કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. દર્શનાર્થીઓને ૧૫૦ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું. સાથે સાથે શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રખાયા હતા.