આણંદ શહેર સહિત 13 જેટલાં સ્થળોએ જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળી
- જિલ્લાના માર્ગો જય રણછોડ માખણચોરના નારા સાથે ગાજી ઊઠયા
- વરસતા વરસાદ વચ્ચે ભક્તો ભગવાનના રથને ખેંચીને અલૌકિક આનંદની અનુભૂતિ કરી : ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરાયું
આણંદ, તા. 4 જુલાઈ 2019, ગુરૂવાર
ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તથા બલભદ્રજી ગુરૂવારના રોજ રથ પર સવાર થઈ ઝરમર વરસાદ વચ્ચે આણંદ જિલ્લાના વિવિધ ૧૩ સ્થળોએ નગરચર્યાએ નીકળ્યા હતા. વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા ૧૫મી રથયાત્રા મહોત્સવનો આજે બપોરના સુમારે શહેરના બેઠક મંદિર ખાતેથી પ્રારંભ કરાયો હતો.
હરે રામા... હરે કૃષ્ણ...ના જયઘોષ સાથે તેમજ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભક્તોએ ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ આ રથયાત્રા પ્રજાપતિ છાત્રાલય ખાતે સંપન્ન થઈ હતી.
સમગ્ર આણંદ જિલ્લામાં ગુરૂવારના રોજ વરસાદી માહોલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળી હતી. આણંદ જિલ્લાના પેટલાદ, ખંભાત, બોરસદ, વિદ્યાનગર સહિતના ૧૩ જેટલા સ્થળોએ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા હતા. મોટાભાગના સ્થળોએ બપોરના સુમારે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા ગુરૂવારના રોજ રથયાત્રા મહોત્સવની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂવારના રોજ યોજાયેલ ૧૫મી રથયાત્રાનો આણંદ શહેરના બેઠક મંદિર ખાતેથી બપોરે ૨ઃ૦૦ કલાકે પ્રારંભ કરાયો હતો. ભક્તોએ વારાફરતી ભગવાનનો રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. ઈસ્કોનના સાધુ-સંતો મસ્ત બનીને હરે રામા... હરે ક્રિષ્ના...ની ધૂન સાથે રથયાત્રામાં જોડાયા હતા.
સ્થાનિક લોકોએ પણ રથયાત્રાની બંને બાજુ ઉભા રહીને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અનેક વાહનો હાથી, ઘોડાઓ સાથે ભક્તજનો જોડાયા હતા.આ ભવ્ય રથયાત્રામાં દેશ-વિદેશના સન્યાસીઓ અને વિવિધ ગુરૂકુળના બાળકો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક મંદિરથી શરૂ કરાયેલ આ રથયાત્રા શહેરના ગામડીવડ ચોક, સરદારગંજ ચોક, સરકારી દવાખાના, જુના બસ સ્ટેન્ડ, જી.પી.ઓ., લક્ષ્મી સિનેમા ચોક, નવા બસ સ્ટેન્ડ, ગ્રીડ ચોકડી, આણંદ-વિદ્યાનગર રોડ, મોટા બજાર, ઈસ્કોન મંદિર અને અંતે પ્રજાપતી છાત્રાલયે પહોચી હતી. જ્યાં જાહેર જનતાને ખિચડી, કઢી અને લાપસીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
75 હજારથી વધુ સાઠાના પેકેટનું વિતરણ કરાયું
સમગ્ર રથયાત્રા દરમ્યાન હરે કૃષ્ણ મહામંત્રનું સકીર્તન ગાન ભક્તોના નૃત્ય સાથે સતત ચાલુ રહ્યું હતું. વિદ્યાનગર ઈસ્કોન ભક્તવૃંદ દ્વારા રથયાત્રાના માર્ગ પર ભક્તોને ૭૫ હજાર ઉપરાંત સાઠાના પેકેટનું પ્રસાદીરૂપે વિતરણ કરાયું હતું. રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
- શહેરમાં મોટા નારાયણદેવ મંદિરથી યાત્રાનો પ્રારંભ થયો
- નડિયાદ શહેર સહિત સાત જેટલાં સ્થળે જગન્નાથજી રંગેચંગે નગરચર્યાએ નીકળ્યા
- મહુધા, મહેમદાવાદ, કઠલાલ, ડાકોર, માતર, ત્રાજ અને કપડવંજમાં વાજતે ગાજતે ભગવાને નગરજનોને દર્શન આપ્યા
આજે અષાઢ સુદ બીજના દિવસે ડાકોર ઉપરાંત નડિયાદના મોટાનારાયણ દેવ મંદિરમાંથી સવારે રથયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે શ્રીજીની આરતી બાદ મંદિરમાંથી રથયાત્રાનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે જયરણછોડ, માખણચોરના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. આજે ખેડા જિલ્લામાં સાત સ્થળોએથી રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
નડિયાદ, મહુધા,મહેમદાવાદ, કઠલાલ, ડાકોર, માતર તાલુકાના ત્રાજ અને કપડવંજના મંદિરોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના મહાપર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ડાકોર સહિત અન્ય મંદિરોમાંથી આજે દબદબાભેર નીકળેલ રથયાત્રા ટાણે વિશાળ સંખ્યામાં ભાવિકોએ શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નડિયાદમાં મોટા નારાયણ દેવ મંદિરેથી નીકળેલ રથયાત્રા સમડી ચકલા, કંસારા બજાર, સલુણ બજાર તથા ખેતા તળાવ વગેરે વિસ્તારોમાં ફરી હતી.
રથમાં બિરાજી ભક્તોને દર્શન આપવા નીકળેલા ઠાકોરજીની કેટલાક શ્રધ્ધાળુઓ દ્વારા પોતાના ઘરે પધરામણી કરાવવામાં આવી હતી. જ્યાં શ્રીજીને પ્રસાદ ધરાવી ભેટ અર્પણ કરી આરતી કરવામાં આવી ત્યારે વાતાવરણ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠયું હતું. નગરમાં પરિભ્રમણ કરી રથયાત્રા સાંજના સમયે મંદિર પરત ફરી હતી.
આ જ રીતે મહુધા નગરના ગોપાલજી મંદિરમાંંથી, મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાંથી, કઠલાલ નગરના રામજી મંદિર, ત્રાજ ગામના લક્ષ્મીનારાયણદેવ તથા કપડવંજના નારાયણદેવ મંદિરેથી આજે વાજતેગાજતે શ્રીજીની રથયાત્રા કાઢવવામાં આવી હતી. ઢોલ, નગારા અને બેન્ડવાજા વચ્ચે નીકળેલ આ રથયાત્રા દરમ્યાન પ્રભુએ નગરચર્યા કરી ભક્તોને દર્શન આપ્યા હતા.
આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શ્રધ્ધાળુઓએ શ્રીજીને મગ, જાંબુ, કેરી, કેળા, દાડમ અને શીરાનો પ્રસાદ ધરાવી ભક્તોમાં તેનું વિતરણ કર્યું હતું. કેટલીક જગ્યાએ પીવાના ઠંડા પાણી, છાશ અને નાસ્તાનું રથયાત્રામાં જોડાયેલા ભક્તોને વિનામૂલ્યે સેવાભાવથી વિતરણ કરાયું હતું.
જિલ્લાના વિવિધ સ્થળોએ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રાના આ ઉત્સવની રંગેચંગે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ઘણી જગ્યાએ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી કોમી એખલાસના વાતાવરણમાં આ પ્રસંગ ઉજવાયો હતો.
આજે સાત સ્થળોએથી નીકળેલ રથયાત્રા બાદ છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ચાલતા રથયાત્રાના ઉત્સવનું સમાપન થયું હતું. સમગ્ર જિલ્લામાં રથયાત્રાના તહેવારની ઉજવણી પૂર્ણ થતા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ નિરાંત અનુભવી હતી.
બાલાસિનોર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી
- નગરના માર્ગો જય રણછોડ માખણચોરના નારા સાથે ગાજી ઉઠયા : વરસતા વરસાદમાં ભક્તોનો અનેરો ઉત્સાહ
બાલાસિનોરમાં આજરોજ અષાઢી બીજને પુણ્યનક્ષત્ર અંગેના પૌરાણિક રામજીમંદિરેથી ૧૨૫ વર્ષ ઉપરાંત નિકળતી રથયાત્રા રથનું પૂજન, આરતી બાદ રથમાં ભગવાનને પધરાવી વરસતા વરસાદમાં જયરણછોડ માખણચોરના નારા સાથે નિકળી હતી.
રથયાત્રા માર્ગમાં ઠેર ઠેર ક્તો દ્વારા ભગવાનને ભેટ, પ્રસાદ ધરાવાયો હતો. નિશાળચોકમાં મુસ્લીમો દ્વારા રથનું સ્વાગત કરાયું હતું. રથયાત્રા બપોરના પરસોતમવાડીએ પહોંચી વિરામ બાદ સાંજે મંદિરે આવવા પરત નિકળી હતી. ત્યારે પણ વરસાદના અમીછાંટણા ચાલુ હતા. ઘણા વર્ષ પછી રથયાત્રાના દિને વરસાદ આવતાં ભક્તો અનેરો ઉત્સાહ જણાતો હતો. નગરમાં પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત, ધાબા પોઇન્ટ, વાહન પેટ્રોલીંગ પણ ગોઠવાયું હતું. સાંજે રથ મંદિરે આવતાં ભગવાનની નજર ઉતારી આરતી ઉતારવામાં આવી હતી.