આણંદના ગામડી ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત, બાજુમાંથી પુત્રની લાશ પણ મળી
- મહારાષ્ટ્રની પરિણીતા પતિ સાથે બારેક વર્ષથી આણંદમાં રહેતી હતી
- હું મારી જિંદગીને ખતમ કરૂ છું, મારા બાળકને સાથે લઇ જઉં છું, જેથી બાળકને તકલીફ સહન ન કરવી પડે : સ્યુસાઇટ નોટ : પોલીસે અપમૃત્યુની નોધ કરી તપાસ આદરી
ગામડી ગામની પોલીસ ચોકી નજીક આવેલી જૈતુનપાર્ક સોસાયટી ખાતે રહેતો અંસાર શેખ નામનો યુવક માર્કેટીંગનું કામ કરે છે. બે દિવસ પૂર્વે તે કામકાજ અર્થે બહારગામ ગયો હતો. દરમિયાન ઘરે હાજર તેની પત્ની અનમે (ઉં.વ.૩૭) કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
અંસાર શેખ મંગળવારે સવારે ઘરે પહોંચ્યા ત્યારે પત્નીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. સાથે સાથે સાત વર્ષીય પુત્ર અઝાન પણ નજીકમાં જ મૃત હાલતમાં પડયો હોવાનું જોવા મળતા તેમણે બૂમાબૂમ કરી હતી. જેને પગલે આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આણંદ શહેર પોલીસ મથકને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે તપાસ કરતા ઘટના સ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક પરીણિતાએ હું મારી મરજીથી મારી જીંદગી ખત્મ કરું છું અને હું મારા બાળકને લઈ જઉં છું, જેથી મારા બાળકને મારા ભાગના દર્દ-તકલીફ સહન કરવા ન પડે, મારી અંતિમ ઈચ્છા અમારા બંનેની લાશોને દફનાવવી નહી પરંતુ સળગાવી દેવું જેથી અમારું કોઈ નિશાન ન રહે.
જો કે કયા કારણોસર પરીણિતાએ આયખૂં ટુંકાવ્યું તે બાબતનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. આઠ વર્ષીય પુત્રની હત્યા કર્યા બાદ પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
પીએમ રિપોર્ટ બાદ પુત્રના મોતનું કારણ જાણવા મળશે
આઠ વર્ષીય પુત્રના શરીર ઉપર ઈજાના કોઈ ચિન્હ જોવા મળ્યા નથી. જેથી તેનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે હજી સુધી સચોટ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પુત્રનું મોત કેવી રીતે થયું તે અંગે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સચોટ માહિતી મળશે.
પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા બાદ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અનમ લગ્ન અગાઉ હિન્દુ ધર્મ પાળતી હતી અને અંસાર શેખ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. બંને જણ મૂળ મહારાષ્ટ્રના વતની છે અને છેલ્લા બારેક વર્ષથી તેઓ આણંદ ખાતે રહેતા હતા. માર્કેટીંગનું કામકાજ કરનાર અંસાર શેખ બે દિવસ પૂર્વે બહારગામ ગયો હતો અને સોમવારે રાત્રે તેણે પત્ની સાથે ફોન ઉપર વાત પણ કરી હતી.