Get The App

ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને હાલાકી

Updated: Apr 29th, 2023

GS TEAM

Google News
Google News
ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને હાલાકી 1 - image

- કેનાલોના સમારકામ, સાફ-સફાઈ કરવા રજૂઆત

- સિંચાઇ વિભાગ ધ્યાન આપતું નથી, રજૂઆતો છતાંય પ્રશ્નનો ઉકેલ ન લવાતા આક્રોશ

આણંદ : સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી ન મળતા ધરતીપુત્રોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈ ધરતીપુત્રો દ્વારા બિસ્માર કેનાલોને કારણે પડતી મુશ્કેલીઓ અંગે ખંભાતના ધારાસભ્યને રજૂઆત કરાતા ધારાસભ્ય દ્વારા છેવાડાના વિસ્તારોમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે બિસ્માર કેનાલોના સમારકામ તેમજ સાફ-સફાઈ અંગે પેટલાદ સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

મળતી માહિતી મુજબ બૃહદ ખેડા જિલ્લામાં સિંચાઈ માટે નહેરોનું પાણી ઉપલબ્ધ થાય તે માટે મહી સિંચાઈ વિભાગ દ્વારા ૧૯૭૦માં સમગ્ર ખેડા-આણંદ જિલ્લામાં વિશાખા અને પેટા શાખા નહેરો કાઢવામાં આવી હતી. આ નહેરોને ક્રમશઃ પાકી કરી ધરતીપુત્રોને સિંચાઈનું પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. જો કે છેવાડાના કેટલાક વિસ્તારોમાં નહેરો જ્યારથી બનાવવામાં આવી છે ત્યારથી જે-તે સ્થિતિમાં જ રહી હોઈ નહેરોનું સમારકામ કે સાફ-સફાઈ ન કરાતા તેમાં છોડવામાં આવતું પાણી છેવાડાના વિસ્તારોમાં ન પહોંચતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. 

નહેરોની આ પરિસ્થિતિને કારણે ચોમાસા દરમ્યાન છોડવામાં આવતું પાણી ખેતી માટે ફાયદાકારક થવાને બદલે ખેડૂતોને નુકસાન પહોંચાડતું હોવાનો રોષ વ્યક્ત કરાયો છે. એક તરફ ચોમાસાને કારણે ખેતરોમાં પાણી ભરાયેલું હોય છે ત્યારે આવી સાફ-સફાઈ તેમજ મરામતના અભાવવાળી નહેરોમાં પાણી છોડાતા પાણી છલકાઈને આસપાસના ખેતરોમાં ઉભરાતા ખેતી પાકને નુકસાન પહોંચતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલોની મરામત અને સાફ-સફાઈ બાબતે સિંચાઈ વિભાગ દ્વારા કોઈ જ લક્ષ ન અપાતા ખેડૂતોને ખેતીપાક માટે જ્યારે પાણીની જરૂરીયાત હોય તે સમયે પાણી ન મળતા ધરતીપુત્રોની મુશ્કેલીઓ વધવા પામે છે.ખંભાત તાલુકાના નારાયણપુરા, જહાજ, ફિણાવ, જલસણ સહિતના ગામોને સબ માઈનોર ૧૧/૧૨, સબમાઈનોર ૧૩ એલ અને નારાયણપુરા સબ માઈનોર થકી સિંચાઈનું પાણી પુરું પાડવામાં આવે છે. જો કે સમારકામના અભાવે આ નહેરો હાલ બિસ્માર અવસ્થામાં હોઈ ખેડૂતોને લાભ મળતો ન હોવાનો રોષ ધરતીપુત્રોએ વ્યક્ત કર્યો છે. સાથે સાથે અમદાવાદ તાલુકાના મોતીપુરા, નવાગામ વાટા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માણેજ વિશાખાના છેવાડાના ભાગે પાણી નિકાલનો ગંભીર પ્રશ્નો પણ હોવાનું જાણવા મળ્યું છે.

ચોમાસામાં તૂટેલી કેનાલોનું પાણી ખેતરોમાં ફરી વળે છે

ચોમાસાના જૂજ દિવસોને બાદ કરતા કાળી તલાવડી નહેરમાં ક્યારેય પાણી આવતું ન હોવાનું જણાવતા કાળી તલાવડી ગ્રામ પંચાયતના સરપંચે ઉમેર્યું હતું કે ચોમાસા દરમ્યાન સારો વરસાદ વરસતા નહેરોમાં પાણી છોડવામાં આવે છે. જો કે મરામતના અભાવે બિસ્માર બનેલ નહેરોમાં પાણી છોડાતા આસપાસના ખેતરોમાં પાણી ઉભરાઈ પ્રસરતા ખેતી પાકને નુકસાન થતું હોય છે. જો કે વરસાદ પાછો ખેંચાતા જ્યારે પાણીની જરૂરીયાત ઉદ્ભવતી હોય છે તે સમયે અને શિયાળા તેમજ ઉનાળા દરમ્યાન છેલ્લા ૨૫ વર્ષથી નહેરોમાં પાણી ન આવ્યું હોવાનો રોષ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરાયો છે.

 આ અંગે ખંભાત સિંચાઈ વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારથી નહેરો કાઢવામાં આવી છે ત્યારથી કાળી તલાવડી નહેરમાં સામાન્ય ઉંડી કરવાની કે પાળા બનાવવાની કે પાકી કરવાની કામગીરી કરાઈ નથી. જો કે છ માસ અગાઉ આ નહેરની દરખાસ્ત તૈયાર કરી વડી કચેરીએ મોકલી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.