છેલ્લાં પાંચ દિવસમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થતાં તંત્રની દોડધામ
- કોરોનાના પોઝિટિવ કેસના કુલ આંક આઠ
- આણંદ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ
આણંદ,તા.12 એપ્રિલ 2020, રવિવાર
કાળઝાળ ગરમી વચ્ચે આણંદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસ પોતાનો સિકંજો કસી રહ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે રવિવારના રોજ જિલ્લામાં વધુ ત્રણ કોરોનાના દર્દીઓ પ્રકાશમાં આવતા જિલ્લામાં કુલ કોરોના દર્દીઓનો આંક આઠ ઉપર પહોંચ્યો છે. જિલ્લાના ખંભાતની એક મહિલાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ તેણીના સંપર્કમાં આવેલ પરિવારના સભ્યો પૈકી તેણીના પુત્ર તથા પતિને પણ સંક્રમણના કારણે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે એક ૨૬ વર્ષીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં ખળભળાટી મચી જવા પામી છે.
ખંભાતની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યાં બાદ સંક્રમણથી પતિ અને પુત્રને પણ કોરોનાએ ઝપટમાં લીધા : આંકલાવના નવાખલ ગામે યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યા છે. ગત તા.૭ એપ્રિલને મંગળવારના રોજ આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં સૌપ્રથમ કોરોના વાયરસે દસ્તક દીધી હતી અને કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આણંદ પાસેના હાડગુડ ગામના રઝાનગર-૨માં રહેતા એક વ્યક્તિનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
બાદમાં શનિવારના રોજ હાડગુડ ગામના આ કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ બે વ્યક્તિઓ તથા યુપીની મુલાકાત લીધેલ ખંભાત તાલુકાના અલીંગ વિસ્તારના મોતીવાળા ખડકી ખાતે રહેતી એક મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ પાંચ કોરોનાના દર્દીઓ પ્રકાશમાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ દ્વારા હાડગુડ ગામના તથા ખંભાતની મહિલાના પરિવારજનોને કોરોન્ટાઈન કરી પરિવારજનો સહિત તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના સેમ્પલ લઈ તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
દરમ્યાન આજે સવારના સુમારે ખંભાત શહેરના અલીંગ વિસ્તારમાં આવેલ મોતીવાળાની ખડકી ખાતે રહેતી મહિલાના પરિવારજનોના સેમ્પલનો રીપોર્ટ આવતા મહિલાના પુત્ર અને પતિ સહિત બંને વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા ખંભાત આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને ખંભાત ખાતે દોડી જઈ મોતીવાળાની ખડકી સહિતના આસપાસના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ આંકલાવ તાલુકાના નવાખલ ગામે દૂધની ડેરી પાછળ રહેતી એક ૨૬ વર્ષીય યુવતીનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો આંકલાવ ખાતે દોડી ગઈ હતી અને આંકલાવ ગામના વિવિધ વિસ્તારોને સેનીટાઈઝ કરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમગ્ર ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ખંભાત ખાતેથી મળી આવેલ વધુ બે પોઝીટીવ દર્દીઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યારે આંકલાવ તાલુકાના નવાખલ ગામની કોરોનાગ્રસ્ત મહિલાને આણંદની સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારના રોજ આણંદ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કિસ્સો નોંધાયા બાદ ધીમે-ધીમે કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. ખાસ કરીને લોકલ સંક્રમણના કારણે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના કિસ્સા જોવા મળતા જિલ્લાવાસીઓ ચિંતિત છે. તો બીજી તરફ બહારગામથી આવેલ કેટલાક લોકોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા હાલ સમગ્ર જિલ્લામાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સાબદુ બન્યું છે અને બહારગામથી પ્રવાસ ખેડીને આવેલ લોકોને આ અંગે સતર્કતા દાખવી તંત્રને જાણ કરી તબીબી પરીક્ષણ કરાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
ખંભાતના અલીંગ વિસ્તારમાં કોરોનાના કેસો વધવાની વકી
ખંભાત ખાતે ગતરોજ ૫૩ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા તેઓના પરિવારના સાત સભ્યો સહિત સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિઓના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા. જેનો રીપોર્ટ આજરોજ આવતા મહિલાના પતિ સહિત પુત્રનો રીપોર્ટ પોઝીટીવ આવતા ખંભાત પંથકમાં ખળભળાટી મચી જવા પામી છે. મહિલા સહિત પરિવારના ત્રણ વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત બનતા અલીંગ વિસ્તારમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ મહિલાના ઘર પાસે એક નાનો ગલ્લો પણ આવેલ હોઈ અન્ય વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવવાની અને કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની ભીતિ નવાબીનગરના રહીશોને સતાવી રહી છે.
આંકલાવ તાલુકામાં પ્રથમ કેસ સામે આવ્યા બાદ તંત્ર દોડતું થયું
આંકલાવ તાલુકાના નવાખલ ગામે દૂધની ડેરી પાછળ રહેતી એક ૨૬ વર્ષીય યુવતીને પણ કોરોના વાયરસે પોતાના સકંજામાં લેતા જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો નવાખલ ગામે ધસી ગયો હતો અને સમગ્ર નવાખલ ગામને ક્લસ્ટર કોરોન્ટાઈન કરી ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી આ વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ડીસઈન્ફેક્શનની કામગીરી હાથ ધરી હાઉસ ટુ હાઉસ સર્વેની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ક્યા તાલુકામાં કેટલાં કોરોના કેસ નોંધાયા
આણંદ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક ૮ ઉપર પહોંચ્યો છે. જેમાં એક કેસ પાધરીયા વિસ્તારમાં, ૩ કેસ હાડગુડ ગામે, ૩ કેસ ખંભાત ખાતે અને ૧ એક કેસ આંકલાવના નવાખલ ગામનો નોંધાયો છે. જાણવાજેવી બાબત એ છે કે આંકલાવ તાલુકાના નવાખલ ગામે એક ૨૬ વર્ષીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા તેણીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેણીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ હાથ ધરતા આ યુવતી વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક માસ માટે રહી હોવાનું ખુલવા પામ્યું છે. નોંધનીય છે કે હાલના સંજોગોમાં વડોદરાનો નાગરવાડા વિસ્તાર કોરોના માટે હોટસ્પોટ બન્યો છે ત્યારે નાગરવાડાથી નવાખલ ગામે પરત ફરેલ આ યુવતીને નાગરવાડામાંથી જ સંક્રમણ લાગ્યું હોવાનું આરોગ્ય વિભાગ સૂત્રો જણાવી રહ્યા છે.