ખંભાત શહેરમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ જિલ્લામાં કુલ કેસનો આંક 80 ને આંબ્યો
- ત્રણ-ત્રણ દિવસ સુધી એકેય કેસ નહોતો
- કડિયાપોળ વિસ્તારમાં ૭૧ વર્ષીય વૃદ્ધની તબિયત લથડતા શ્રીકૃષ્ણ હોસ્પિટલ લઈ ગયા
આણંદ, તા.4 મે 2020, સોમવાર
ત્રણ દિવસ સુધી કોરોનાના પોઝીટીવ કેસના આંકડા ઉપર બ્રેક લાગ્યા બાદ રેડ ઝોન એવા આણંદ જિલ્લાના ખંભાત ખાતેથી આજે વધુ એક નવો કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા આણંદ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૮૦ ઉપર પહોંચ્યો છે. ખંભાતના કડીયા પોળ વિસ્તારમાં રહેતા એક ૭૧ વર્ષીય પુરૃષ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ગત તા.૭ એપ્રિલના રોજ આણંદ જિલ્લામાં કોરોનાનો સૌપ્રથમ પોઝીટીવ કેસ નોંધાયા બાદ તા.૧૧ એપ્રિલથી જિલ્લાના નવાબી નગર ખંભાતમાં કોરોનાના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવવાની શરૃઆત થઈ હતી. ત્યારબાદ ખંભાતમાં કોરોના વિસ્ફોટ થયો હતો અને એક સાથે અનેક કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેને લઈ ખંભાત હોટસ્પોટ જાહેર કરાયું હતું અને ખંભાતમાં ઉજાગર થયેલ કોરોનાના પોઝીટીવ કેસોને લઈ આણંદ જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો હતો. જો કે ગત શુક્રવારના રોજ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ આણંદની મુલાકાતે આવ્યા બાદ તેઓ ખંભાત ખાતે રૃબરૃ તપાસમાં ગયા હતા. ત્યારથી સતત ત્રણ દિવસ સુધી આણંદ જિલ્લામાંથી એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો ન હતો. ત્રણ દિવસ બાદ આજે ફરીથી ખંભાત ખાતેથી વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો છે. ખંભાતના કડીયાપોળ વિસ્તારમાં આવેલ દરજીના ખાંચામાં રહેતા ૭૧ વર્ષીય રમેશભાઈ રાણાની તબિયત લથડતાં તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા આજે તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
આજે નોંધાયેલ વધુ એક નવા કોરોનાના પોઝીટીવ કેસ સાથે આણંદ જિલ્લામાં કુલ કોરોનાના દર્દીઓનો આંક ૮૦ ઉપર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે જિલ્લામાં કુલ ૬ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ ૮૦ કેસો પૈકી આણંદ તાલુકામાં ૪, ઉમરેઠ તાલુકામાં ૯, આંકલાવ તાલુકામાં ૧, ખંભાત તાલુકામાં ૬૫ અને પેટલાદ તાલુકામાં ૩ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ ૮૦ દર્દીઓ પૈકી ૩૫ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.