ખંભાતમાં પાંચ દર્દીઓએ કોરોનાને મહાત આપતા તાળીઓના ગડગડાટથી વિદાય અપાઈ
- નવાબી નગરમાં કોરોનાના ભરડા વચ્ચે રાહતના સમાચાર
- આણંદની સિવિલમાં સારવાર લેતી ત્રણ યુવતી સહિત પાંચ વ્યક્તિ સ્વસ્થ થતા ઘરે મોકલાયા
આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતને કોરોના વાયરસે ભરડામાં લીધો છે ત્યારે ખંભાતના પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓએ આજે કોરોનાને માત આપતા પાંચેય દર્દીઓને આજે આણંદની સિવિલ હોસ્પિટલમાંથી રજા તાળીઓના ગળગળાટ વચ્ચે રજા આપવામાં આવી હતી. ખંભાતની ત્રણ યુવતીઓ સહિત પાંચ વ્યક્તિઓને આજે આણંદની સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓના ઘરે મોકલવામાં આવ્યા હતા.
ગત તા.૧૧ એપ્રિલના રોજ જિલ્લાના નવાબી નગર ખંભાતમાં કોરોનાનો સૌપ્રથમ પોઝીટીવ કેસ નોંધાયા બાદ ખંભાતના વિવિધ વિસ્તારોમાં કોરોના વાયરસનો વ્યાપ વધતા ઉપરાછાપરી અનેક કોરોનાના દર્દીઓ પ્રકાશમાં આવ્યા હતા. ખંભાતના અલીંગ વિસ્તાર બાદ દંતારવાડો સહિતના અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. જેમાં ખંભાતની વિજય સોસાયટી ખાતે રહેતા કલ્પેશ અમૃતભાઈ ચુનારા તથા પ્રિતીબેન સંજયભાઈ ચુનારા તેમજ પીપળા શેરી ખાતે રહેતા વૈભવ દેવાંગભાઈ દવે, દંતારવાડામાં રહેતા ગીતાબેન વાલ્મીક અને અકબરપુરમાં રહેતા શબનમબાનુ અબ્દુલરહીમ મલેકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા આ તમામને આણંદની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
સરકારી ગાઈડ લાઈન મુજબ ૨૪ કલાકના આંતરે કરવામાં આવતા રીપોર્ટ તેમજ એક્સ-રે બાદ આ તમામ પાંચ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા ખંભાતના આ પાંચેય દર્દીઓને આજે બપોરના સુમારે આણંદની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કોરોના સામે જંગ જીતનાર આ પાંચેય દર્દીઓ સાજા થતા આનંદની લાગણી સાથે તેઓને તાળીઓના ગળગળાટથી વધાવ્યા હતા.
અત્યાર સુધી જિલ્લામાં કોરોના કુલ ૮૧ કેસ નોંધાયા છે. જે પૈકી આજે મુક્ત કરાયેલ પાંચ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ ૪૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૬ વ્યક્તિઓના મરણ થયા છે. હાલ આણંદ જિલ્લામાં કોરોનાના ૩૦ પોઝીટીવ દર્દીઓ વિવિધ હોસ્પિટલો ખાતે સારવાર લઈ રહ્યા છે. જે પૈકી બે દર્દીઓ વેન્ટીલેટર પર બે દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૨૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જિલ્લાના હોટસ્પોટ બનેલ ખંભાત નગરમાં હવે ધીમે-ધીમે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણનું જોર ઘટતા કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજરોજ જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ ન નોંધાતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.