Get The App

ડભોઉમાં ઈન્ચાર્જ તબીબ પાસે 4 આરોગ્ય કેન્દ્રનો ચાર્જ, દર્દીઓને હાલાકી

Updated: Jun 16th, 2024

GS TEAM


Google News
Google News
ડભોઉમાં ઈન્ચાર્જ તબીબ પાસે 4 આરોગ્ય કેન્દ્રનો ચાર્જ, દર્દીઓને હાલાકી 1 - image


- પીએચસીના કાયમી ડોક્ટર રજા ઉપર

- ફાર્માસિસ્ટ દર્દીઓની તપાસ કરી સારવાર આપતા હોવાનો આક્ષેપ

આણંદ : સોજિત્રા તાલુકાના ડભોઉ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કાયમી ર્ડાક્ટર છેલ્લા દોઢેક માસથી મેટરનીટી લીવ ઉપર જતા ખડાના ર્ડાક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે તેઓ પાસે કુલ ચાર આરોગ્ય કેન્દ્રનો ચાર્જ હોવાથી તબીબ વડી કચેરીએથી ફાળવેલા દિવસો મુજબ દર્દીઓને ચકાસવા માટે જતા હોવાથી દર્દીઓને સમયસર સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલનો સહારો લેવાની ફરજ પડી રહી હોવાનો રોષ દર્દીઓ વ્યક્ત કર્યો છે.

ડભોઉ ગામે કાયમી તબીબ મેટરનીટી લીવ પર હોવાથી ખડાના ર્ડાક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પીપળાવ અને દેવા આરોગ્યનો પણ ચાર્જ સંભાળતા તબીબને માથે ચાર આરોગ્ય કેન્દ્રની જવાબદારી આવતા દર્દીઓને નિયમિત સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. હાલ તો વડી કચેરી દ્વારા નિયત કરાયેલા દિવસો મુજબ તબીબ ચાર આરોગ્ય કેન્દ્રો ખાતે ફાળવેલા દિવસો મુજબ દર્દીઓની તપાસ માટે જતા હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં મઘરોલ, ગાડા, દેવાતજ, લીંબાલી, ડભોઉ સહિતના આસપાસના પરાં વિસ્તારના ગ્રામ્ય દર્દીઓ સારવાર અર્થે ડભોઉ પ્રાથમિક આરોગ્ય ખાતે જતા હોય છે. પીએચસી ખાતે રોજની ૫૦ થી વધુ ઓપીડી રહે છે. જો કે કાયમી ર્ડાક્ટરની ગેરહાજરીને કારણે દર્દીઓને પરેશાની વેઠવાની વારો આવ્યો છે.તેમજ તાલુકા આરોગ્ય અધિકારીને પણ વહીવટી કાર્યોની મુશ્કેલીઓ હોવાથી તેઓ પણ દરરોજ ઉપસ્થિત ન રહેતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેને લઈ ડભોઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્મીસીસ્ટ દ્વારા દર્દીઓને તપાસવામાં આવતા હોવાનું અને નોર્મલ બિમારીમાં દવા સહિત સારવાર આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. 

જ્યારે વધુ સારવારની જરૂરીયાતવાળા દર્દીઓને સોજિત્રા સા.કેન્દ્ર ખાતે શીફ્ટ કરવામાં આવે છે.

Tags :