આણંદ જિલ્લામાં કાળઝાળ 42 ડિગ્રી ગરમી
- શહેર સહિત સમગ્ર જિલ્લાનું જનજીવન ઠપ
- દક્ષિણ ભારતમાં વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લામાં તાપમાન ઘટી શકે તેવી આગાહી
આણંદ.તા, 29 એપ્રિલ 2019, સોમવાર
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે યલો એલર્ટ વચ્ચે સતત ત્રીજા દિવસે આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ૪૨ ડિ.સે.થી ઉપર રહેતા જિલ્લાવાસીઓ આગની ભઠ્ઠીમાં શેકાયા હતા. જો કે ફાની નામનું વાવાઝોડુ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં અસર કરવાની સંભાવના છે ત્યારે ગુજરાતમાં તેની કોઈ અસર વર્તાશે નહી પરંતુ બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ તાપમાનનો પારો નીચે ઉતરશે અને ફાની વાવાઝોડાના કારણે વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
રાજ્યભરમાં યલો એલર્ટ વચ્ચે આણંદ આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. ગત શનિવાર તથા રવિવારના રોજ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. દરમ્યાન શનિવારના રોજ બપોરના સુમારે મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિ.સે.ને પાર કરી જતા જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે રવિવારના રોજ પણ મહત્તમ તાપમાનનો પારો ૪૪.૬ ડિ.સે. સુધી પહોંચી જતા ચાલુ વર્ષે મોસમનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. આજે સોમવારના રોજ પણ સતત ત્રીજા દિવસે જિલ્લામાં કાળઝાળ ગરમીની અસર વર્તાઈ હતી.
મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિ.સે. તથા તેજ ગરમ પવનો ફૂંકાવાના કારણે બપોરના સુમારે જિલ્લાવાસીઓએ અગનભઠ્ઠીનો અનુભવ કર્યો હતો. કાળઝાળ ગરમીના કારણે જિલ્લામાં લૂ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ગરમીના કારણે વૃધ્ધો તેમજ નાના બાળકો ઉપર વિપરીત અસર વર્તાઈ રહી છે. બપોરના સુમારે મોટાભાગના માર્ગો પર નહીવત ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એક તરફ જિલ્લામાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ફાની ચક્રવાત આગામી ૨૪ કલાકમાં વિકરાળ સ્વરૂપધારણ કરી શકવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફાની ચક્રવાતનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસ છે. આ ચક્રવાતની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરી, કેરાલા જેવા રાજ્યોમાં જોવા મળશે અને તેના કારણે પવનની ઝડપ ૮૦ થી ૧૦૦ કિ.મી./કલાક જેટલી થઈ જશે. સાથે સાથે કેટલાક સ્થળોએ વરસાદ થવાની પણ સંભાવના છે. જો કે ગુજરાતમાં આ ચક્રવાતની ખાસ અસર જોવા નહી મળે પરંતુ આ ચક્રવાતના કારણે આગામી તા.૨ મે બાદ તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ કૃષિ યુનિ.ના એસ.બી.યાદવે જણાવ્યું હતું.
સોમવારનું તાપમાન
મહત્તમ તાપમાન |
૪૩.૦ ડિ.સે. |
લઘુત્તમ તાપમાન |
૨૬.૦ ડિ.સે. |
સરેરાશ તાપમાન |
૩૪.૫ ડિ.સે. |
ભેજના ટકા |
૫૨ |
પવનની ઝડપ |
૫.૪ કિ.મી./કલાક |