આણંદ જિલ્લામાં રૂ. 144 કરોડના ખર્ચે પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લાગશે
- વીજ વપરાશના દરેક ક્ષેત્રે સ્માર્ટ મીટર મુકવામાં આવશે
- આગામી 3 વર્ષમાં 3 તબક્કામાં ઔદ્યોગિક અને સરકારી ક્ષેત્રમાં અમલ થયા પછી દરેક ઘરોમાં પણ આ મીટર મુકાશે
કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા વીજ ક્ષેત્રે આરડીએસએસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના થકી આગામી વર્ષોમાં વીજ ગ્રાહકોને બીલ ભરવા માટે કચેરીના ધરમધક્કા ખાવા સહિત કતારોમાં લાંબા સમય ઉભા રહેવાની સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. આરડીએસએસ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં નવા ટ્રાન્સફોર્મર, સબસ્ટેશનો, લો વોલ્ટેજના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટેની અદ્યતન સુવિધા સહિત પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની કામગીરી હાથ ધરવામાં આવશે.
આગામી ત્રણ વર્ષમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. ત્રિવાર્ષિક આયોજન હેઠળ સૌપ્રથમ ઔદ્યોગિક તથા કોમર્શીયલ ક્ષેત્રમાં સ્માર્ટ મીટરની યોજના અમલમાં મુકાશે. ત્યારબાદ ગર્વમેન્ટ સેક્ટરમાં આ યોજના અમલી બનાવવામાં આવનાર છે. જે કાર્યાન્વિત થયા બાદ જિલ્લામાં તમામ વીજ ક્ષેત્રને સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવામાં આવશે.
આ અંગે એમજીવીસીએલ સૂત્રોના જણાવ્યા મુજબ આરડીએસએસ યોજના અંતર્ગત આણંદ જિલ્લાને કુલ ત્રણ તબક્કામાં રૂા.૧૪૪ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેમાં વર્ષ-૨૦૨૨-૨૩માં ૩૮ કરોડ, ૨૦૨૩-૨૪માં ૩૫ કરોડ અને ૨૦૨૪-૨૫માં બાકી રહેલ રકમ ફાળવવામાં આવશે. પાંચ વર્ષ ચાલનારા આ પ્રોજેક્ટમાં વીજ ક્ષેત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે.
10 વર્ષ અગાઉ ઉમરેઠમાં આ યોજનાની વીજળી ડૂલ થઇ ગઇ હતી
આશરે દસેક વર્ષ અગાઉ જિલ્લામાં સૌપ્રથમવાર ઉમરેઠ ખાતે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરની પ્રાયોગિક યોજના અમલમાં મુકવામાં આવી હતી. જો કે આ યોજનાને મોળો પ્રતિસાદ સાંપડયો હતો અને ગણતરીના ગ્રાહકોએ રસ દાખવી આ મીટરનો ઉપયોગ શરૂ કર્યો હતો પરંતુ રીચાર્જ સમયે વેઠવી પડતી હાડમારી અને ઉપસ્થિત થતી પરિસ્થિતિને લઈ ટૂંકા કાળામાં જ આ યોજનાની વીજળી ડૂલ થઈ ગઈ હતી.ત્યારે આગામી પાંચ વર્ષમાં આણંદ જિલ્લાને સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવાની યોજનામાં ગ્રાહકોનો કેવો પ્રતિસાદ સાંપડે છે તેવી જોવું રહ્યું.
જરૂરિયાત અનુસાર ઓનલાઇન રિ-ચાર્જ કરાવી શકાશે
આણંદ જિલ્લામાં કોમર્શિયલ ઓદ્યોગિક તથા સરકારી સેક્ટરમાં અલગ-અલગ તબક્કામાં દરેક ક્ષેત્રે સ્માર્ટ મીટર મુકવામાં આયોજન કરવામાં આવશે. આગામી દોઢેક વર્ષમાં વિવિધ ક્ષેત્રમાં સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લામાં વીજ ગ્રાહકોના વિવિધ વિસ્તારોને સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવાશે. આ સ્માર્ટ મીટરમાં ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે કચેરીએ જવું નહી પડે. પોતાની જરૂરિયાત મુજબની વીજળીના વપરાશ માટે ઓનલાઈન રિ-ચાર્જ કરાવી વપરાશ કરી શકાશે.