આણંદ જિલ્લામાં શાકભાજીની આવક અને વાવેતર ઘટતા ભાવ બમણો વધ્યા
- તુવેર-વટાણાના ભાવ આસમાને પહોંચ્યા
- પાણીની તંગી હોવાથી આણંદ જિલ્લામાં શાકભાજીના વાવેતરમાં ઘટાડો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ આવતો હોવાથી ભાવમાં વધારો થયો
આણંદ : ઉનાળાની ગરમીની શરૂઆત સાથે જ આણંદ જિલ્લામાં સ્થાનિક કક્ષાએથી વિવિધ પ્રકારના શાકભાજીની આવક ઘટતા ધીમે ધીમે શાકભાજીના ભાવ ઉંચકાયા છે. શિયાળાની સિઝનમાં પ્રતિ રૂા. ૨૦ થી ૩૦ના કિલોના ભાવે મળતા શાકભાજીના ભાવ હાલ ડબલ એટલે કે ૬૦ થી ૮૦ રૂા. પ્રતિ કિલો ઉપર પહોંચી ગયા છે.
ઉનાળાની સીઝનમાં પાણીની તંગી વચ્ચે મોટા ભાગે આણંદ જિલ્લામાં તમાકુ, દિવેલા તથા બાજરી સહિતના વિવિધ પાકોની ખેતી કરવામાં આવે છે. જેને લઈ શાકભાજીનું વાવેતર ઘટતા સ્થાનિક કક્ષાએથી શાકભાજીની આવક ઘટે છે. બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ રાજ્ય બહારથી વિવિધ પ્રકારના શાકભાજીની આવક થતી હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા શાકભાજીની કિંમતોમાં પણ વધારો જોવા મળે છે.
હાલ ઉનાળાની ગરમીનો પ્રારંભ થતાંની સાથે જ આણંદ જિલ્લાના બજારોમાં ધીમે ધીમે શાકભાજીના ભાવ ઉંચકાવા લાગ્યા છે. શિયાળાની મોસમમાં ૨૦ થી ૩૦ રૂા. પ્રતિ કિલોના ભાવે વેચાતા શાકભાજીના ભાવ હાલ બમણા થઈ ગયા છે. તેમાંય ખાસ કરીને તુવેર અને વટાણાના ભાવ આસમાને પહોંચ્યા છે અને હાલ વટાણા પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૨૦૦ તથા તુવેર પ્રતિ મણ ૨૦૦૦ થી ૨૨૦૦ના ભાવે જથ્થાબંધ માર્કેટમાં વેચાઈ રહી છે.
આ અંગે જથ્થાબંધ માર્કેટના વેપારીના જણાવ્યા મુજબ, શિયાળા દરમિયાન અને શિયાળાના અંતિમ ચરણમાં પણ આણંદ જિલ્લામાં ઠેર ઠેર માવઠું થયું હતું. રાજ્યના પણ કેટલાક સ્થળોએ માવઠું થતાં પાકનો બગાડ થયો હતો અને ઉતારો ઓછો આવતા હવે શાકભાજીની આવક ઘટી છે. હજી પણ ઉત્તરના વિસ્તારમાં માવઠાની સંભાવના છે, જેને લઈ શાકભાજીની આવક ઓછી થવાની સંભાવના છે. ઓછી આવકને લઈ ભાવ હજી પણ ઉંચા જશે તેવી શક્યતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નાસિક અને કાઠિયાવાડથી સૌથી વધુ આવક
હાલ કાઠીયાવાડ, એમપી તથા નાસિક તરફથી આણંદ જિલ્લામાં મરચાં, ગવાર, કોબીજ, ડુંગળી, ફ્લાવર, કાકડી તથા વટાણાની આવક થઈ રહી છે. નાસિક, કાઠીયાવાડથી પ્રતિ દિન ચારથી પાંચ ગાડી ભરીને શાકભાજી આણંદ ખાતે આવે છે, જે શાકભાજીનો મુખ્ય સ્ત્રોત છે. સાથે સાથે હાલમાં જિલ્લાના બોરીયાવી, સામરખા, કંજરી, અજરપુરા, ચકલાસી વિસ્તારોમાંથી રીંગણ, ચોળી, દેશી તુવેર, ભીંડા, ગવાર અને મરચાં સહિતની શાકભાજીની આવક થઈ રહી છે.
પ્રતિદિન 2,500 ક્વિન્ટલ શાકભાજીની આવક
આણંદ એપીએમસીના સંચાલક સમીરભાઈ પટેલના જણાવ્યા મુજબ, ઉનાળાની ગરમીનો પ્રારંભ થતા શાકભાજીની આવક ઘટી છે જેને લઈ ભાવ ઉંચકાયા છે. આણંદ જિલ્લામાં બહાર ગામથી પ્રતિ દિન થ્રીવ્હીલર તથા ટેમ્પા મળી ચાર હજાર જેટલા વાહનોમાં ૨૫૦૦ ક્વિન્ટલ શાકભાજી આણંદમાં ઠલવાય છે અને એપીએમસી માર્કેટ ખાતેથી છૂટક વેપારીઓ પોતપોતાના ધંધાના સ્થળે વિવિધ વાહનો મારફતે શાકભાજી લઈ જઈ વેપાર કરતા હોય છે.
આણંદ મોટી શાક માર્કેટમાં શાકભાજીના ભાવ
શાકભાજી |
ભાવ
(પ્રતિ કિલો) |
વટાણા |
રૂા. ૮૦
થી ૯૦ |
તુવેર |
રૂા. ૧૨૦
થી ૧૩૦ |
ટીંડોળા |
રૂા. ૬૦
થી ૭૦ |
ભીંડા |
રૂા. ૪૦
થી ૫૦ |
ચોળી |
રૂા. ૮૦
થી ૯૦ |
ગવાર |
રૂા. ૮૦
થી ૯૦ |
કોબીજ |
રૂા. ૪૦
થી ૫૦ |
ફ્લાવર |
રૂા. ૪૦
થી ૫૦ |
દુધી |
રૂા. ૩૦
થી ૪૦ |
ટામેટાં |
રૂા. ૨૦
થી ૩૦ |
રીંગણ |
રૂા. ૨૦
થી ૩૦ |
આણંદ એપીએમસીમાં જથ્થાબંધ શાકભાજીના ભાવ
શાકભાજી |
જથ્થાબંધ
ભાવ |
ભીંડા |
રૂા.૬૦૦
થી ૭૦૦ |
ટામેટા |
રૂા.૨૦૦
થી ૩૦૦ |
રીંગણ |
રૂા.૧૦૦
થી ૧૨૦ |
ટીંડોળા |
રૂા.૭૦૦
થી ૮૦૦ |
કોબીજ |
રૂા.૧૫૦
થી ૨૦૦ |
ફ્લાવર |
રૂા.૨૫૦
થી ૩૦૦ |
ચોળી |
રૂા.૯૦૦
થી ૧૦૦૦ |
વટાણા |
રૂા.૧૦૦૦
થી ૧૨૦૦ |
તુવેર |
રૂા.૨૦૦૦
થી ૨૨૦૦ |
ગવાર |
રૂા.૯૦૦
થી ૧૦૦૦ |
ડુંગળી |
રૂા.૩૦૦
થી ૪૦૦ |
બટાકા |
રૂા.૪૦૦
થી ૫૦૦ |
દુધી |
રૂા. ૨૦૦
થી ૩૦૦ |
(નોંધ : ઉપરોક્ત શાકભાજીના ભાવ પ્રતિ મણદીઠ દર્શાવે છે.)